25 September, 2026 02:26 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકચારી વિનીત મિનોચા હત્યાકાંડ
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકચારી વિનીત મિનોચા હત્યાકાંડમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે દવાના કરોડપતિ વેપારીની હત્યાનું કાવતરું પુત્રવધૂએ નહીં પરંતુ તેમના એકમાત્ર દીકરા સુબ્રતે જ ઘડ્યું હતું. પોલીસે પૂછપરછ અને મળેલા પુરાવાના આધારે સુબ્રતની ધરપકડ કરી હતી. બીજી તરફ આ ષડયંત્રમાં પુત્રવધૂ શાલુની કોઈ જ સંડોવણી ન જણાતાં પોલીસ તેને ક્લીન ચિટ આપીને મુક્ત કરવા કોર્ટમાં અરજી કરશે.
પોલીસ-કમિશનર રઘુવીર લાલે કહ્યું હતું કે ‘સુબ્રત દારૂ, જુગાર અને સટ્ટાના રવાડે ચડી ગયો હતો અને ભારે દેવામાં ડૂબી ગયો હતો. તેણે અલગ-અલગ બૅન્કોમાંથી ૪૦ લાખ રૂપિયાની લોન લીધી હતી જેનો માસિક હપ્તો ૫૫,૦૦૦ રૂપિયા આવતો હતો. પિતા તેને ખર્ચ માટે દર મહિને ૪૦,૦૦૦ રૂપિયા આપતા હતા.’
સુબ્રતે પોલીસને જણાવ્યું હતું કે ‘મારા પિતા રંગીન મિજાજના હતા. મને ડર હતો કે પિતા બીજી કોઈ મહિલા સાથે લગ્ન કરી લેશે અને કરોડો રૂપિયાની સંપત્તિમાં નવો વારસદાર આવી જશે. આ શંકા અને સંપત્તિની લાલચમાં મેં નોકર વિશાલને ૬ લાખ રૂપિયા આપીને પિતાની હત્યા કરાવી હતી અને જો પકડાઈ જાય તો બધો આરોપ પત્ની શાલુ પર ઢોળી દેવા કહ્યું હતું.’
જોકે નોકરની પૂછપરછમાં ભાંડો ફૂટી ગયો હતો. હવે પોલીસ દ્વારા પુત્ર સુબ્રતની ધરપકડ કરવામાં આવી છે.