✕

જમ્મુ-કાશ્મીરમાંથી ૧૫૦ ઘૂસણખોરોની હકાલપટ્ટી

06 October, 2026 11:43 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

દેશનિકાલ કરવા બાગડોગરા ઍરપોર્ટ પર મોકલવામાં આવ્યા, અટકાયતમાં લેવાયેલા ૫૦૦ લોકોમાંથી પ્રથમ જથ્થાને ૭ ઑક્ટોબરે બંગલાદેશ ધકેલાશે

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી અટકાયતમાં લીધેલા ૫૦૦ ગેરકાયદે ઘૂસણખોરોમાંથી ૧૫૦ લોકોને દેશનિકાલ કરવા પશ્ચિમ બંગાળના બાગડોગરા ઍરપોર્ટ મોકલ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિયન ઍર ફોર્સના વિમાનમાં મોકલાયેલા આ ઘૂસણખોરોને બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને સોંપીને ૭ ઑક્ટોબરે બંગલાદેશ ધકેલાશે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ખાસ ઝુંબેશ ચલાવીને બંગલાદેશીઓ અને મ્યાનમારના રોહિંગ્યા સહિત ૫૦૦ ગેરકાયદે વસાહતીઓને પકડીને શ્રીનગરના છેવાડે આવેલા ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા હતા. કાશ્મીરની ખીણમાં વર્ષોથી કચરો વીણવા જેવી મજૂરી કરતા બાકીના લોકોને પણ આગામી દિવસોમાં તબક્કાવાર ડિપૉર્ટ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે મે મહિનામાં રચેલી વસ્તીવિષયક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) વિશેની ઉચ્ચ સ્તરની સમિતિની મુલાકાતના બે મહિના બાદ આ કાર્યવાહી થઈ હતી. સમિતિને અપાયેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં ૭૬૫૬ રોહિંગ્યા અને ૫૦૪ બંગલાદેશી છે. એમાં જમ્મુમાં ૬૭૩૭ રોહિંગ્યા તથા ૪૬ બંગલાદેશી અને કાશ્મીરમાં ૯૧૯ રોહિંગ્યા તથા ૪૫૮ બંગલાદેશી છે. તેમની સામે જમ્મુમાં ૧૦૧ અને કાશ્મીરમાં ૧૬ મળીને ૧૧૭ કેસ નોંધાયેલા છે.

national news india jammu and kashmir indian army