જયપુરમાં કારે 9 લોકોને કચડ્યાં 3ના મોત, આરોપી ડ્રાઈવર ઉસ્માનનું કૉંગ્રેસ સાથે છે કનેક્શન

09 April, 2025 07:00 AM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

Jaipur Accident: આ ઘટનામાં સામેલ ડ્રાઈવર ઉસ્માન ખાન કૉંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને જિલ્લા કારોબારી સમિતિનો કાર્યકર હતો. આ ઘટનાને લઈને જયપુરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ હવે કૉંગ્રેસે આરોપીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.

SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકોને ટક્કર મારી (તસવીર: સોશિયલ મીડિયા)

રાજસ્થાનના જયપુરમાં હિટ એન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે રાત્રે, નાહરગઢ વિસ્તારમાં એક SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકોને ટક્કર મારતા ત્રણના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા.

ડ્રાઈવર નશામાં હતો, લોકો વિરોધ કરી રહ્યા છે

પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ ઉસ્માન તરીકે થઈ છે અને તે નશાની હાલતમાં હતો. આ ઘટનાનો વિરોધ કરવા માટે ઘણા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એડિશનલ ડીસીપી બજરંગ સિંહ શેખાવતે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે આરોપી ઉસ્માનની ધરપકડ કરવામાં આવી છે. તે નશામાં હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા.

ડ્રાઈવર કૉંગ્રેસ કાર્યકર હતો, પાર્ટીએ તેને હાંકી કાઢ્યો

આ ઘટનામાં સામેલ ડ્રાઈવર ઉસ્માન ખાન કૉંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને જિલ્લા કારોબારી સમિતિનો કાર્યકર હતો. આ ઘટનાને લઈને જયપુરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ હવે કૉંગ્રેસે આરોપીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. બીજી તરફ, પોલીસે જણાવ્યું કે આરોપીની કાર મળી આવી છે. વધુ તપાસ ચાલુ છે. આરોપી તબીબી સાધનોનો વેપાર કરે છે અને કાર તેની કંપનીની છે. 

ભાજપે મૃત્યુદંડની માગ કરી

દરમિયાન, ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ આ જાણી જોઈને કર્યું છે. આચાર્યએ ANI ને જણાવ્યું કે આરોપી ઉસ્માન હસને આ જાણી જોઈને કર્યું. તે કૉંગ્રેસનો કાર્યકર છે અને તેને ફાંસી આપવી જોઈએ. ભાજપ નેતાએ કહ્યું કે મને મારી સરકાર અને સીએમ ભજનલાલ શર્મા પર પૂરો વિશ્વાસ છે કે આ પીડિત પરિવારને વળતર મળશે અને તે જ સમયે આ અકસ્માત માટે જવાબદાર લોકો પર બુલડોઝર ચલાવવામાં આવશે. આરોપી અમીન કાગઝી (કૉંગ્રેસ ધારાસભ્ય)નો કાર્યકર છે અને તે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન વિરોધ કરી રહેલા લોકોએ રસ્તાની વચ્ચે એક પુતળાનું દહન પણ કર્યું. જોકે, પોલીસે કાર જપ્ત કરી અને આરોપીની પણ ધરપકડ કરી.

નાહરગઢમાં તણાવ

આ ઘટના બાદ નાહરગઢમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. જ્યારે ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી ત્યારે નજીકના લોકો ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકો વિરોધ પ્રદર્શનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટોળાએ રસ્તો બ્લૉક કરી દીધો હતો અને ટાયરો સળગાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ગઈ કાલે રાત્રે નાહરગઢમાં, MI રોડથી વાહન સાંકડી શેરીઓમાં પહોંચતાની સાથે જ નશામાં ધૂત વાહનચાલકે રસ્તામાં ઘણા લોકોને કચડી નાખ્યા અને ત્યાં પાર્ક કરેલા વાહનોને ઉડાવી દીધા.

road accident viral videos congress bharatiya janata party national news rajasthan