27 December, 2025 08:00 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જયપુર નજીક આવેલા ચૌમુમાં ગુરુવારે રાત્રે અઢી વાગ્યે તોફાન બાદ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
રાજસ્થાનની રાજધાની જયપુર નજીક આવેલા ચૌમુમાં કલંદરી મસ્જિદની બહાર રેલિંગ હટાવવાના મુદ્દે ગઈ કાલે વહેલી સવારે ૩ વાગ્યે એક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં ૬ પોલીસ-કર્મચારીઓના માથામાં ઈજા થઈ હતી. પોલીસે આ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગૅસના ટોટાનો ઉપયોગ કર્યો હતો. પરિસ્થિતિને શાંત કરવા માટે ગઈ કાલ સવારથી આજે સવાર સુધી ચૌમુમાં ઇન્ટરનેટ સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
આ મુદ્દે જયપુર-વેસ્ટના ડેપ્યુટી પોલીસ કમિશનર (DGP) હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે ‘કલંદરી મસ્જિદ નજીક લાંબા સમયથી અતિક્રમણનો વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષે સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ લોખંડનો ઍન્ગલ લગાડીને એને કાયમી ધોરણે ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અમે આ બાંધકામ દૂર કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
શું છે આખો મામલો?
મસ્જિદ નજીક રસ્તાની બાજુમાં લગભગ છેલ્લાં ૪૫ વર્ષથી પથ્થર પડેલા હતા. ટ્રાફિક સુધારવા માટે આ પથ્થરોને દૂર કરવાનું કામ શરૂ થતાં તનાવ ફેલાયો હતો. પ્રશાસને આ ઘટનામાં સામેલ સમુદાયના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. પરસ્પર સંમતિ પછી જ પ્રશાસને આ પથ્થર દૂર કરવાનું શરૂ કર્યું હતું. ચૌમુના આ વિસ્તારમાં પથ્થર દૂર કરવાનું કામ પણ પૂર્ણ થયું હતું. જોકે રેલિંગ લગાવવાનું કામ શરૂ થતાં જ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ શરૂ કરીને હિંસા પર ઊતરી આવ્યા હતા.