09 April, 2025 07:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
એસ જયશંકરની ફાઈલ તસવીર
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટૅરિફ લાગુ પાડ્યા બાદ ભારતમાં આની ચર્ચા વધી ગઈ છે. આ વચ્ચે એસ જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન વેપાર સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે.
અમેરિકા દ્વારા ભારતમાં 26 ટકા ટૅરિફ લાગુ પાડવામાં આવ્યાના વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી. બન્ને દેશોએ દ્વિપક્ષીય વેપાર કરારને ટૂંક સમયમાં જ પૂરું કરવાના મહત્ત્વ પર સંમતિ વ્યક્ત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે આ વેપારી કરારને લઈને વાતચીત ત્યારે શરૂ થઈ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં વૉશિંગટન ડીસીમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે વાતચીત પછી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: `આજે માર્કો રુબિયો સાથે વાત કરીને આનંદ થયો. ઇન્ડો-પેસિફિક, ભારતીય ઉપખંડ, યુરોપ, મધ્ય પૂર્વ/પશ્ચિમ એશિયા અને કેરેબિયન પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. દ્વિપક્ષીય વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જરૂરિયાત પર સર્વસંમતિ હતી. સંપર્કમાં રહેવાની આશા.
9 એપ્રિલથી વધારાનો ટૅરિફ
ગયા અઠવાડિયે, ભારતને છૂટ મળવાની આશા હતી પરંતુ અમેરિકાએ પારસ્પરિક ટૅરિફ લાદવાની જાહેરાત કરી. ૧૦ ટકાનો બેઝલાઇન ટૅરિફ ૫ એપ્રિલથી અમલમાં આવ્યો છે અને ૨૬ ટકાનો વધારાનો ટૅરિફ ૯ એપ્રિલથી લાગુ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જયશંકરની રુબિયો સાથેની વાતચીતનો હેતુ એ પણ જણાવવાનો હતો કે આવા નિર્ણયોની ભારત પર શું અસર પડી શકે છે.
શેના પર કેટલો ટૅરિફ?
જોકે, ભારત પર લાદવામાં આવેલ ટૅરિફ ચીન (34 ટકા), વિયેતનામ (46 ટકા), થાઈલેન્ડ (36 ટકા) અને ઇન્ડોનેશિયા (32 ટકા) પર લાદવામાં આવેલા ટૅરિફ કરતા ઓછા છે. આ એવા દેશો છે જેમાં ચીન તરફથી મોટા પાયે રોકાણ થયું છે અને જે ચીનની સપ્લાય ચેઇન સાથે જોડાયેલા છે.
ભારતીય ઉદ્યોગો અને નિકાસકારો સાથે ક્રિયાપ્રતિક્રિયા
ગયા અઠવાડિયે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે તે ટ્રમ્પના આ નિર્ણયોની અસરની તપાસ કરી રહ્યું છે અને આ નવી યુએસ વેપાર નીતિથી ઉદ્ભવતી તકોને ઓળખવા માટે ભારતીય ઉદ્યોગો અને નિકાસ સહિત તમામ હિસ્સેદારો સાથે વાતચીત કરી રહ્યું છે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટૅરિફથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકા સહિત અનેક દેશનાં શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના ટૅરિફથી કૅનેડા, મેક્સિકો અને યુરોપિયન સંઘના અનેક દેશો નારાજ છે, પરંતુ ટ્રમ્પે એને કડવી ગોળી કહી દીધી છે. ડોનલ્ડ ટ્રમ્પને જ્યારે ટૅરિફ બાદ વૈશ્વિક બજારમાં થયેલી ઊથલપાથલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ‘શૅરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ક્યારેક-ક્યારેક બીમારી દૂર કરવા માટે કડવી ગોળી લેવી પડે છે. ટૅરિફ ખૂબ સુંદર વસ્તુ છે. ચીન, યુરોપિયન સંઘ અને અનેક અન્ય દેશો સાથે આપણી રાજકોષીય ખાધ છે. આ સમસ્યાનું સમાધાન ફક્ત ટૅરિફ જ છે. આનાથી અબજો ડૉલર અમેરિકામાં આવી રહ્યા છે. બાઇડનકાળમાં આ દેશો સાથે જે રાજકોષીય ખાધ વધી છે એને અમે જલદી ઓછી કરીશું. એક દિવસ લોકોને જાણ થશે કે અમેરિકા માટે ટૅરિફ કેટલી સુંદર વસ્તુ છે.’