11 November, 2025 07:38 AM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Correspondent
જમ્મુ-કાશ્મીરની પોલીસે ફરીદાબાદની અલ ફલાહા યુનિવર્સિટીના ટીચર અને કાશ્મીરી ડૉક્ટરના ભાડાના ઘરમાંથી પકડેલાં હથિયારો.
બે ડૉક્ટરો સહિત ૭ જણની ધરપકડ, ૨૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત : અલ-કાયદા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન અન્સાર ગઝવત-ઉલ-હિન્દ (AGuH) કાશ્મીરમાં ફરીથી સક્રિય થઈ રહ્યું હોવાની આશંકા : તપાસમાં વિદેશી શક્તિઓ પણ બહાર આવતાં ચિંતામાં વધારો : શિક્ષણના નામે ફન્ડ ઉઘરાવવામાં આવ્યું
જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્સાર ગઝવત-ઉલ-હિન્દ (AGuH) સાથે જોડાયેલા ઇન્ટરસ્ટેટ અને ઇન્ટરનૅશનલ આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અનેક રાજ્યોમાં સંકલિત તપાસ દરમ્યાન હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનમાં બે ડૉક્ટરો સહિત ૭ મુખ્ય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં શસ્ત્રો, દારૂગોળો અને આશરે ૩ ટન ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED)ની સામગ્રી મળી આવી હતી. અલ-કાયદા સાથે સંકળાયેલા AGuHની સ્થાપના ૨૦૧૭માં થઈ હતી. એ સમયે આ જૂથનું નેતૃત્વ કમાન્ડર ઝાકિર મુસા દ્વારા કરવામાં આવતું હતું.
ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરની પોલીસે ફતેહપુર તાગા વિલેજમાં છુપાયેલા આતંકવાદીઓના ઘરમાં છાપામારી કરી હતી જ્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળ્યા હતા.
આ સાબિત કરે છે કે અન્સાર ગઝવત-ઉલ-હિન્દ ફરી એક વાર જૈશ-એ-મોહમ્મદના સમર્થનથી જમ્મુ અને કાશ્મીરમાં એની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા બે ડૉક્ટરોમાંથી એક અનંતનાગનો રહેવાસી છે અને તેની શાહજહાંપુરથી ધરપકડ કરવામાં આવી હતી. બીજો ડૉક્ટર મુઝમ્મિલ શકીલ ફરીદાબાદથી પકડાયો હતો. તે પુલવામાનો રહેવાસી છે. આ કેસમાં હજી એક ડૉક્ટર ફરાર છે અને તેની શોધ ચાલુ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૯ ઑક્ટોબરે શ્રીનગરના બાનપોરા નૌગામમાં વિવિધ સ્થળોએ પોલીસ અને સુરક્ષાદળોને ધમકી આપતાં જૈશ-એ-મોહમ્મદનાં પોસ્ટરો મળી આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નૌગામ પોલીસ-સ્ટેશનમાં અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA), આર્મ્સ ઍક્ટ સહિત અનેક કલમો હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો અને ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરવામાં આવી હતી.
જન્મુ-કાશ્મીર પોલીસે ટેરર-અટૅકની સાજિશના શંકાસ્પદ ડૉ. અાદિલની ધરપકડ અનંતનાગમાંથી કરી હતી જેના પગલે ફરીદાબાદનું જૉઇન્ટ-ઑપરેશન ઉઘાડું પડ્યું હતું.
વાઇટ-કૉલર આતંકવાદી નેટવર્ક
આ કેસની તપાસમાં અધિકારીઓને વાઇટ-કૉલર આતંકવાદી નેટવર્કની જાણકારી મળી હતી. આ નેટવર્ક કટ્ટરપંથી પ્રોફેશનલો અને સ્ટુડન્ટ્સનું બનેલું એક અત્યાધુનિક નેટવર્ક છે. આ વ્યક્તિઓ પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી કાર્યરત વિદેશી હૅન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ જૂથે સંકલન, વિચારધારા, ફન્ડ-ટ્રાન્સફર અને લૉજિસ્ટિક્સ માટે એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન ચૅનલોનો ઉપયોગ કર્યો હતો. સામાજિક અથવા સખાવતી કાર્યોના નામે વ્યાવસાયિક અને શૈક્ષણિક વર્તુળો દ્વારા નાણાં એકઠાં કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
પકડાયેલી વ્યક્તિઓની ઓળખ થઈ
આ મૉડ્યુલ આતંકવાદી જૂથોમાં વ્યક્તિઓને ઓળખવા, કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવામાં સામેલ હતું. ઉપરાંત ફન્ડ એકઠું કરવા, લૉજિસ્ટિક્સ ગોઠવવા અને શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો મેળવવામાં પણ સામેલ હતું. પકડાયેલા આરોપીઓની ઓળખ શ્રીનગરના નૌગામના રહેવાસી આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, શ્રીનગરના નૌગામના રહેવાસી યાસિર-ઉલ-અશરફ, શ્રીનગરના નૌગામના રહેવાસી મકસૂદ અહમદ ડાર ઉર્ફે શાહિદ, શોપિયાંના રહેવાસી મૌલવી ઇરફાન અહમદ (મસ્જિદના ઇમામ), ગાંદરબલના વાકુરાના રહેવાસી ઝમીર અહમદ અહંગર ઉર્ફે મુતલાશા, પુલવામાના કોઇલના રહેવાસી ડૉ. મુઝમ્મિલ અહમદ ગની ઉર્ફે મુસૈબ અને કુલગામના વાનપોરાના રહેવાસી ડૉ. આદિલ તરીકે કરવામાં આવી છે.
કાશ્મીરથી ઉત્તર પ્રદેશ સુધી દરોડા
નેટવર્ક સાથે જોડાયેલા વધારાના આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. તપાસ દરમ્યાન જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગર, અનંતનાગ, ગાંદરબલ અને શોપિયાંમાં શોધખોળ હાથ ધરી હતી અને ફરીદાબાદમાં હરિયાણા પોલીસ અને સહારનપુરમાં ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળીને શોધખોળ હાથ ધરી હતી.
૨૯૦૦ કિલો વિસ્ફોટકો મળ્યા
ઑપરેશનમાં બે પિસ્તોલ, બે AK-સિરીઝ રાઇફલ્સ અને ૨૯૦૦ કિલો વિસ્ફોટકો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. એમાં રસાયણો, રીએજન્ટ્સ, જ્વલનશીલ પદાર્થો, ઇલેક્ટ્રૉનિક સર્કિટ, રિમોટ કન્ટ્રોલ, બૅટરી, વાયર, ટાઇમર અને ધાતુના ટુકડાઓનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલાં હથિયારોમાં દારૂગોળા સાથે ચાઇનીઝ સ્ટાર પિસ્તોલ, દારૂગોળા સાથે બૅરૅટા પિસ્તોલ, દારૂગોળા સાથે AK-56 રાઇફલ અને દારૂગોળા સાથે AK ક્રિન્કોવ રાઇફલનો સમાવેશ થાય છે.
દિલ્હી નજીકના ફરીદાબાદમાં ૩૫૦ કિલો વિસ્ફોટકો અને રાઇફલ મળ્યાં
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઈ કાલે કારમાં બ્લાસ્ટ થયો એ પહેલાં નજીકના હરિયાણાના ફરીદાબાદમાંથી અમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા ધરાવતા આશરે ૩૫૦ કિલો ભયાનક વિસ્ફોટકો અને એક અસૉલ્ટ રાઇફલ જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમને મળી આવ્યાં હતાં. વિસ્ફોટકો સાથે ૨૦ ટાઇમર, એક પિસ્તોલ, ત્રણ મૅગેઝિન અને વૉકી-ટૉકીનો એક સેટ પણ મળી આવ્યાં છે. આ કેસમાં પોલીસે ડૉક્ટર મુજમ્મીલ શકીલની ધરપકડ કરી હતી. શકીલ જમ્મુ અને કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે અને ફરીદાબાદની અલ-ફલાહ હૉસ્પિટલમાં કામ કરે છે.
શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતાં પોસ્ટરો લગાવવાના આરોપમાં પોલીસે ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક કાશ્મીરી ડૉ. આદિલ અહમદ રાથેરની ધરપકડ કર્યાના થોડા દિવસો બાદ આ મોટી જપ્તી કરવામાં આવી છે. ફરીદાબાદમાં ડૉ. આદિલે પૂછપરછ દરમ્યાન કરેલા ખુલાસા બાદ આ રિકવરી કરવામાં આવી છે. ડૉ. આદિલ ગયા વર્ષે ઑક્ટોબર સુધી અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં કામ કરતો હતો. પોલીસે અનંતનાગમાં તેના લૉકરની તપાસ કરી ત્યારે એક AK 47 અસૉલ્ટ રાઇફલ મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન તેણે શૅર કરેલી માહિતીના આધારે પોલીસે ફરીદાબાદમાં વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
૨૭ ઑક્ટોબરે શ્રીનગરમાં આતંકવાદી સંગઠન
જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતાં પોસ્ટરો લગાવવાના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં ડૉ. આદિલ પોસ્ટરો લગાવતો જોવા મળ્યો હતો. તેને ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો અને ગયા અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ ઍક્ટ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.