બિહારના મુખ્ય પ્રધાનપદેથી નીતીશ કુમાર રાજીનામું આપશે?

05 March, 2026 10:10 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

JDUના ચીફ રાજ્યસભાના નૉમિનેશન માટે તૈયાર

નીતીશ કુમાર

બિહારમાં એક મોટું રાજકીય પરિવર્તન થઈ શકે છે. મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને નીતીશ કુમાર રાજ્યસભામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે તેઓ રાજીનામું આપે તો તેમના પછી રાજ્યનો હવાલો કોણ સંભાળી શકે છે એ વિશે અટકળો ચાલી રહી છે. નીતીશ કુમાર પહેલી માર્ચે ૭૫ વર્ષના થયા એના થોડા દિવસ પછી જ આ ઘટના બની છે.
આ સંદર્ભમાં જનતા દળ યુનાઇટેડ (JDU)નાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રાજ્યસભાની બેઠક માટે નીતીશ કુમારના નામાંકન માટેની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. નામાંકન પત્રો લગભગ તૈયાર છે. ફક્ત તેમના હસ્તાક્ષર બાકી છે. તેઓ આજે પોતાનું નામાંકન દાખલ કરે એવી અપેક્ષા છે.’

૧૬ માર્ચ પછી પદ છોડી શકે 

નીતીશ કુમાર ૧૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સુધી બિહારના મુખ્ય પ્રધાન રહે એવી શક્યતા છે. એ પછી તેઓ પદ છોડી શકે છે.

JDUમાં બેઠકનો દોર

આ ઘટનાક્રમને કારણે JDUની અંદર બેઠકોનો દોર શરૂ થયો છે. વરિષ્ઠ નેતા અને પ્રધાન વિજેન્દ્ર પ્રસાદ યાદવે નીતીશ કુમાર સાથે ચર્ચા કરી હતી. પ્રધાન અશોક ચૌધરી પણ મુખ્ય પ્રધાનને મળ્યા હતા. JDUના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા પણ ચર્ચા માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

મુખ્ય પ્રધાનપદ માટે BJP દાવો કરી શકે 

બિહારમાં ભાવિ નેતૃત્વ અંગે સમાંતર ચર્ચાઓ ચાલી રહી છે. જો નીતીશ કુમાર રાજ્યસભામાં જાય છે તો BJP મુખ્ય પ્રધાનપદ માટે દાવો કરી શકે છે. બીજી તરફ નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. JDUનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બિહારના રાજકીય પરિદૃશ્યમાં ઔપચારિક રીતે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એવી પણ અટકળો છે કે નિશાંત કુમારને નાયબ મુખ્ય પ્રધાનપદ માટે વિચારી શકાય છે. જોકે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

એક દુર્લભ સંસદીય માઇલસ્ટોન

નીતીશ કુમાર અગાઉ બિહાર વિધાનસભા, બિહાર વિધાન પરિષદ અને લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. જો તેઓ રાજ્યસભામાં ચૂંટાય તો તેઓ એવા નેતાઓની હરોળમાં જોડાશે જેઓ રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બેઉ ગૃહો અને સંસદનાં લોકસભા અને રાજ્ય સભા એમ બન્ને ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે જે એક દુર્લભ રાજકીય માઇલસ્ટોન છે.

રાજ્યસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીની એકમાત્ર સીટ માટે શરદ પવારને જાહેર સમર્થન કરશે કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મહા વિકાસ આઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે NCP (SP)ના પ્રમુખ શરદ પવારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના મહાસચિવ રમેશ ચેન્નીથલાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે ૧૬ માર્ચે થઈ રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના નેતાઓએ શરદ પવારને સમર્થન કરવાનો નિર્ણય લીધો છે. શરદ પવાર ઑલરેડી રાજ્યસભાના સભ્ય છે. કૉન્ગ્રેસના આ નિર્ણયથી શિવસેના (UBT)ને ઝાટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૭ સીટ પર ચૂંટણી થવાની છે જેમાંથી એક પર MVAની જીતની સંભાવના છે. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીની એક સીટ મહા વિકાસ આઘાડીમાં શિવસેના (UBT)ને જ મળવી જોઈએ, કેમ કે નક્કી કરેલી રોટેશન નીતિ અનુસાર આ સીટ પર તેમની પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ.

એપ્રિલ મહિનામાં શરદ પવાર, પ્રિયંકા ચતુર્વેદી, ફૌજિયા ખાન, રામદાસ આઠવલે, ભાગવત કરાડ, રજની પાટીલ અને ધૈર્યશીલ પાટીલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. 

national news india bihar nitish kumar political news indian politics sharad pawar delhi news Rajya Sabha bhartiya janta party bjp bharatiya janata party janata dal united nationalist congress party