બે વર્ષથી બંધ જેટ એરવેઝ ફરીથી ઉડાન ભરવા માટ તૈયાર

13 September, 2021 04:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વર્ષ ૨૦૨૨ના પ્રથમ ક્વૉટરમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ કરશે

પ્રતીકાત્મક તસવીર

દેવામાં ડુબેલી એરલાઈન્સ જેટ એરવેઝ (Jet Airways) બે વર્ષ બાદફરીથી ઉડાન ભરવા માટે તૈયાર છે. જેટ એરવેઝ વર્ષ ૨૦૨૨ના પ્રથમ ક્વૉટરમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ અને બીજા ક્વૉર્ટરમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની સેવા શરુ કરશે. આ માટે તેમને લોકોની ભરતી પણ શરુ થઈ ગઈ છે.

જેટ એરવેઝના નવા મેનેજમેન્ટ જાલાન કાર્લોક કોન્સોર્ટિયમે આશા વ્યક્ત કરી છે કે, ‘આવતા વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં અમે ફરીથી ઉડાન ભરીશું. જેટ એરવેઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) સાથે તેમનો બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં જેટ એરવેઝનું રિવેલિડેશન કરવાનું છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ની વચ્ચે તેમની પ્રથમ ફ્લાઇટ દિલ્હી અને મુંબઈ વચ્ચે શરૂ થશે. કન્સોર્ટિયમ તેના માટે દેશના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં એરપોર્ટ પર સ્લોટ એલોકેશન, આવશ્યક એરપોર્ટ ઇન્ફ્રા અને નાઇટ પાર્કિંગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે’.

કન્સોર્ટિયમના લીડ મેમ્બર મુરારીલાલ જાલાને જણાવ્યું છે કે, ‘અમને NCLT તરફથી જૂન ૨૦૨૧માં જ મંજૂરી મળી ગઈ છે. ત્યારથી અમે તમામ ઓથોરિટી સાથે ગંભીરતાથી કામ કરી રહ્યાં છીએ. જેથી અમે આ એરલાઈન્સને ફરી આકાશમાં ઉડાડી શકીએ. જેટ એરવેઝનું લક્ષ્ય ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી સ્થાનિક કામગીરી શરૂ કરવાનું છે’.

જેટ એરવેઝના કાર્યકારી સીઇઓ કૅપ્ટન સુધીર ગૌરે કહ્યું કે, ‘નવા અવતારમાં જેટનું મુખ્ય મથક દિલ્હી-ગુરુગ્રામમાં હશે. જેટ દ્વારા લગભગ ૧૫૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૧૦૦૦થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે’.

national news jet airways