✕

ઝારખંડમાં સર્જાઇ કરુણાંતિકા: દર્શનાર્થે જઇ રહેલાં ૧૩ શ્રદ્ધાળુઓનાં મોત, વડા પ્રધાને જાહેર કરી સહાય

29 November, 2026 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના નૅશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક ભયાનક રોડ ઍક્સિડન્ટ થયો હતો. રાજરપ્પા મંદિરનાં દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી SUVને અકસ્માત નડતાં ૧૩ જણ કાળનો કોળિયો બની ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના નૅશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક ભયાનક રોડ ઍક્સિડન્ટ થયો હતો. રાજરપ્પા મંદિરનાં દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી SUVને અકસ્માત નડતાં ૧૩ જણ કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં ચાર બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો હતો અને આ ઇન્જર્ડ વ્યક્તિને તાબડતોબ રામગઢની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રવિવારની વહેલી સવારે લગભગ ૨ વાગ્યાની આસપાસ થયો હતો. પૈંકી ગામ પાસેના ભાજપ કાર્યાલયની નજીક SUVનો અકસ્માત થયો હતો. SUVમાં કુલ ૧૪ લોકો સવાર હતા. તમામ શ્રદ્ધાળુઓ બિહારના નાલંદા જિલ્લાના જંઘારો ગામના રહેવાસી હતા અને રાજરપ્પા મંદિરનાં દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસ અકસ્માત પાછળનાં કારણોની તપાસ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇન્જર્ડ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. PM નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

ગુમલામાં પણ સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત

ઝારખંડમાં માર્ગ અકસ્માતની આ ઘટના સામે આવ્યાના થોડા દિવસો પહેલાં ગુમલા જિલ્લામાં પણ એક ગંભીર દુર્ઘટના બની હતી. અહીં એક ટ્રકને અકસ્માત નડ્યા બાદ તે ૧૧ હજાર વોલ્ટના વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. ત્યારબાદ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટ્રકચાલક જીવતેજીવ ભડથું થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ઓડિશાના રાઉરકેલાથી ઉત્તર પ્રદેશના અલીગઢ તરફ લોખંડના સળિયા લઈ જતી ટ્રક પાલકોટ રોડ પર કાર સાથે અથડાઈ હતી. સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ ટ્રક વીજળીના થાંભલા સાથે અથડાતાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ટ્રકચાલક બહાર જ નીકળી શક્યો નહોતો. આગ ઓલવાયા બાદ કેબિનમાં તેનાં અસ્થિ મળી આવ્યાં હતાં. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ૩૫ વર્ષીય પંકજ કુમાર તરીકે થઈ હતી. 

ઝારખંડમાં સતત બની રહેલા ઍક્સિડન્ટ્સે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

jharkhand national news india road accident narendra modi