ઝારખંડના વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ સોનમ વાંગચુકના આગ્રહ બાદ પાણી તો પીધું, પણ અન્ન નહીં ગ્રહણ કરે

06 August, 2026 09:37 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

ઝારખંડના વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ સોનમ વાંગચુકના આગ્રહ બાદ પાણી તો પીધું, પણ અન્ન નહીં ગ્રહણ કરે

સોનમ વાંગચુકના વિડિયો-કૉલ પછી ગઈ કાલે રાંચીમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ પાણી પીધું હતું.

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ સામે અનિશ્ચિત મુદતની ભૂખહડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની વિનંતી બાદ પાણી પીધું હતું. લગભગ ૧૦ મિનિટના વિડિયો-કૉલ દરમ્યાન સોનમ વાંગચુકે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરીને કથળતા સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લડત ચાલુ રાખીને પણ પાણી પીવાનો આગ્રહ કર્યો હતો. મહતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તમામ માગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી તેઓ અન્નનો એક પણ દાણો ગ્રહણ કરશે નહીં.

ઝારખંડ વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભ પહેલાં રાંચીમાં ૧૪મી JPSC પરીક્ષા રદ્દ કરવા અને બન્ને કમિશનમાં વ્યાપક સુધારા લાવવાની માગણી સાથે કુલ ૬ આંદોલનકારીઓ ભૂખહડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓ આ ગેરરીતિઓની સઘન તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની સ્વતંત્ર કમિટી દ્વારા કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. મહતોએ વાંગચુકને રૂબરૂ મળવા રાંચી આવવા વિનંતી કરી છે અને તેમના આવ્યા બાદ જ પારણાં કરવાની વાત કહી છે. બીજી તરફ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓને ગંભીરતાથી લઈ રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જાહેર કરશે.

national news india jharkhand hemant soren central bureau of investigation ranchi