આણંદજીભાઈએ પોતાની જીવનસફરનું પુસ્તક ભેટ આપ્યું નરેન્દ્ર મોદીને

17 February, 2026 07:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કલ્યાણજી-આણંદજીનાં જીવન અને સંગીતની ગાથા બયાન કરતું પુસ્તક જિંદગી કા સફર મિડ-ડેના કૉલમનિસ્ટ રજની મહેતાએ લખ્યું છે

તાજેતરમાં તેમણે દિલ્હીની મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી

હિન્દી ફિલ્મસંગીતના અમર વારસામાં જેનું મહત્ત્વનું યોગદાન છે એવી સુવિખ્યાત સંગીતકાર બેલડી કલ્યાણજી–આણંદજીનાં ગીતો આજે પણ ધૂમ મચાવે છે. ૯૩ વર્ષની ઉંમરે આણંદજીભાઈ  એક નવયુવાન જેવી સ્ફૂર્તિ અનુભવે છે. તાજેતરમાં તેમણે દિલ્હીની મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. સંસદસત્ર અને દેશ-વિદેશના અનેક મહાનુભાવો સાથેની મુલાકાત અને ચર્ચા-વિચારણામાં વ્યસ્ત હોવા છતાં વડા પ્રધાને તેમને પરિવાર સહિત ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું અને અડધો કલાક હળવા મિજાજમાં વાતો કરીને જૂની યાદો તાજી કરી હતી. આણંદજીભાઈને કહ્યું કે હવે સેન્ચુરી પૂરી થાય એટલે મોટો જલસો કરીએ. આણંદજીભાઈનાં પત્ની શાંતાબહેનને કહ્યું હતું કે કચ્છ જાઓ તો નવું કચ્છ ગમ્યું કે નહીં એનો રિપોર્ટ આપજો.

આ મુલાકાત દરમ્યાન આણંદજીભાઈએ કલ્યાણજી-આણંદજીના જીવન અને સંગીત-સફરનું આલેખન કરતા ‘મિડ-ડે’ના કટારલેખક રજની મહેતાનું પુસ્તક ‘જિંદગી કા સફર’ વડા પ્રધાનને ભેટ આપ્યું હતું. મોદીસાહેબે પુસ્તકના આલેખન અને પ્રસંગોની રજૂઆત બદલ આણંદજીભાઈને અને લેખકને અભિનંદન પાઠવ્યાં હતાં. આણંદજીભાઈ અને નરેન્દ્ર મોદીનો સંબંધ છેલ્લાં ૩૦ વર્ષથી છે અને એ સમયના રસપ્રદ પ્રસંગોનું સુંદર વિવરણ આ પુસ્તકમાં થયું છે. તેમણે કહ્યું કે સમય મળતાં તેઓ જરૂર પુસ્તક વિશે પોતાનો પ્રતિભાવ મોકલાવી આપશે.

national news india gujarati mid day columnists gujaratis of mumbai delhi news new delhi