16 May, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રનૌત અને ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
તાજેતરમાં જ ભાજપની સાંસદ કંગના રનૌતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વિષે પોતાના અંગત મંતવ્યો શેર કર્યા હતા. જો કે તેણે પાછળથી તેની આ પોસ્ટ હટાવી નાખી છે. જોકે કંગનાએ (Kangana Ranaut) કહ્યું કે બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ જ તેને આ પોસ્ટ હટાવી નાખવા માટે કહ્યું હતું.
કંગના રનૌતે જ આ વાત કહી છે કે "રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મને ફોન કર્યો અને ટ્રમ્પ દ્વારા એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા કહેવા અંગેનું ટ્વીટ ડિલીટ કરવા કહ્યું છે" સાથે જ કંગના (Kangana Ranaut)એ માફી માગતા લખ્યું હતું કે- "મેં મારો અંગત અભિપ્રાય અહીં પોસ્ટ કરી દીધો હતો. જેનું મને દુઃખ છે. નિર્દેશાનુસાર મેં તેને તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ પરથી પણ ડિલીટ કરી નાખ્યું છે"
ડોનલ્ડ ટ્રમ્પનું આ નિવેદન કે જેને કારણે કંગનાએ પોસ્ટ મૂકી- તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે "મેં ઍપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું કે તેઓ ભારતમાં ઉત્પાદન ન કરે. તેમનું કહેવું એમ હતું કે, અમને કોઈ રસ નથી કે તમે ભારતમાં ઉત્પાદન કરો. તેઓ પોતાની સંભાળ રાખી શકે એમ છે. ભારતમાં ફેક્ટરીઓ બનાવવાની કોઈ જરૂર નથી."
આ સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે, "ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ભલામણ કરી છે. કારણ કે એશિયન રાષ્ટ્ર આયાત કર પર સમજૂતી ઈચ્છે છે"
હવે વાત કરીએ કે કંગનાએ શું પોસ્ટ કર્યું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી કંગના રનૌત (Kangana Ranaut) નારાજ થઈ ગઈ હતી અને તેણે એવી પોસ્ટ મૂકી હતી કે- "આ પ્રેમ ગુમાવવાનું કારણ શું હોઈ શકે? તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે પણ સૌથી પ્રિય નેતા તો ભારતના વડા પ્રધાન મોદી છે. ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે, પણ ભારતના વડા પ્રધાન તો તેઓના ત્રીજા કાર્યકાળમાં છે. ટ્રમ્પ એક આલ્ફા પુરુષ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અમારા પીએમ બધા આલ્ફા પુરુષોના પણ બાપ છે" સાથોસાથ તેણે સવાલ કર્યો હતો કે- "શું આ વ્યક્તિગત ઈર્ષ્યા છે કે રાજદ્વારી અસલામતી?"
Kangana Ranaut: ટ્રમ્પની ટિપ્પણીઓ આગામી વર્ષના અંત સુધીમાં યુ. એસ. માં વેચાયેલા મોટાભાગના આઇફોન ભારતમાંથી આયાત કરવાની એપલની યોજનામાં ભંગાણ પાડનારી છે. ઍપલ તેના મોટાભાગના આઇફોન ચીનમાં બનાવે છે અને યુ. એસ. માં કોઈ સ્માર્ટફોન ઉત્પાદન નથી-જો કે તે સ્થાનિકકક્ષાએ વધુ કામદારોને કામ આપવાનું વચન આપે છે અને આગામી ચાર વર્ષમાં સ્થાનિક સ્તરે 500 અબજ ડોલરનો ખર્ચ કરવાનું વચન આપે છે.
જોકે, ઍપલ અધિકારીઓએ ખાતરી આપી છે કે ભારત માટે ઍપલની યોજનાઓ અકબંધ રહેશે. કંપની ભારતને તેના ઉત્પાદનો માટે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે.