09 May, 2026 02:26 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પપ્પુ છુરી
સરકારી યોજનાઓ હેઠળ લાભ આપવાની આડમાં લોકોની સાથે છેતરપિંડી કરનારી ગૅન્ગના માસ્ટરમાઇન્ડ મહફૂઝ અલી ઉર્ફે પપ્પુ છુરીની કાનપુરના પોલીસ-કમિશનર રઘુવીર લાલની સ્પેશ્યલ ઑપરેશન ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ સોળથી વધુ બૅન્કોમાં ૬૮ ખાતાં ખોલ્યાં હતાં અને આ ખાતાં દ્વારા ૩૨૦૦ કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા હતા. પપ્પુ છુરીની ધરપકડથી સરકારી યોજનાઓ અને નકલી ખાતાંઓ દ્વારા મની-લૉન્ડરિંગના રૅકેટનો પર્દાફાશ થયો છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે. મહફૂઝ અલીનું આખું નેટવર્ક પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલું હતું. મહફૂઝ અલીની પૂછપરછ દરમ્યાન મની-લૉન્ડરિંગ, આવકવેરાની ચોરી અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની ચોરીની જાણકારી બહાર આવી છે. પોલીસે આ ષડયંત્રમાં સંડોવાયેલા તેની ગૅન્ગના અન્ય પાંચ સભ્યોને જેલમાં મોકલી દીધા છે. કાનપુર પોલીસની એક ખાસ ટીમે આ કેસમાં વ્યાપક તપાસ શરૂ કરી છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસની ૧૬ અલગ-અલગ ટીમો પાંચ રાજ્યોમાં મોકલવામાં આવી છે. પોલીસ હવે ચોક્કસ બૅન્ક-અધિકારીઓ અને GST વિભાગના કર્મચારીઓને પણ નિશાન બનાવી રહી છે જેમની આ મોટા કૌભાંડમાં ભાગીદારી હતી. આ કેસમાં વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસાઓ થવાની સંભાવના છે.
પપ્પુ છુરી આવી રીતે કરતો હતો ફ્રૉડ
બારમા ધોરણમાં નાપાસ થયેલો મહફૂઝ આલમ છૂરી અને બ્લેડનો વેપારી હતો. તે પપ્પુ છુરી તરીકે નામચીન હતો. તેણે ગરીબ અને બેરોજગાર લોકોને લોનનું વચન આપીને છેતર્યા હતા. તેણે તેમના આધાર કાર્ડ, પૅન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમના નામે નકલી કંપનીઓ અને બૅન્ક-ખાતાં ખોલ્યાં હતાં. આ ખાતાંઓનો ઉપયોગ હવાલા, કતલખાનાં અને GST છેતરપિંડી સંબંધિત કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ૧૬ અલગ-અલગ બૅન્કોમાં અનેક ખાતાં ખોલ્યાં હતાં જેના દ્વારા કુલ ૩૨૦૦ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા હતા.
નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો?
આરોપીને નેટવર્ક ચલાવવા માટે ત્રણથી પાંચ ટકા કમિશન મળતું હતું. ફેબ્રુઆરીમાં શ્યામનગર વિસ્તારમાં ૨૪ લાખ રૂપિયાની શંકાસ્પદ લૂંટની તપાસ દરમ્યાન આ સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે પૈસાનું પગેરું કાઢ્યું ત્યારે હવાલા અને છેતરપિંડીભર્યા વ્યવહારોનું એક વિશાળ નેટવર્ક બહાર આવ્યું હતું.
ટેરર ફન્ડિંગ ઍન્ગલ પણ તપાસ હેઠળ
હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), આવકવેરા વિભાગ અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) સહિત અનેક એજન્સીઓ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ હવે ટેરર ફન્ડિંગ ઍન્ગલની પણ તપાસ કરી રહી છે. ગૅન્ગના બાકીના સભ્યોને શોધવા માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં પોલીસટીમો મોકલવામાં આવી છે.