આજે કર્ણાટક સરકારમાં મોટી ઊથલપાથલ થવાના આસાર

28 May, 2026 12:40 PM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા રાજ્યપાલને મળીને રાજીનામું સોંપે એવી સંભાવના, નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર તેમની જગ્યા લે એવી વાત લગભગ ફાઇનલ તબક્કામાં

કૉન્ગ્રેસના સિનિયર વિધાનસભ્ય આર. વી. દેશપાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સિદ્ધારમૈયાએ મને કહ્યું છે કે તેમણે હવે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો છે

છેલ્લા થોડાક મહિનાથી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય તમાશાનો આજે અંત આવે એવી સંભાવના લાગી રહી છે. કૉન્ગ્રેસના સિનિયર વિધાનસભ્ય આર. વી. દેશપાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સિદ્ધારમૈયાએ મને કહ્યું છે કે તેમણે હવે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો છે. કેટલાક વિધાનસભ્યો ગઈ કાલે તેમના ઘરે ગયા હતા અને તેમને આગ્રહપૂર્વક કહ્યું હતું કે સિદ્ધારમૈયાએ રાજીનામું ન આપવું જોઈએ. જોકે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તેમણે હાઇ કમાન્ડને વચન આપી દીધું છે અને તેઓ એ વચનને પાળશે.’

આ જ વાતની અલગ રીતે પણ પુષ્ટિ થઈ રહી છે, કેમ કે સિદ્ધારમૈયાએ આજે બપોરે રાજ્યપાલ થાવર ચંદ ગેહલોટને મળવાનો સમય માગ્યો છે. એવામાં એ વાત લગભગ ફાઇનલ લાગે છે કે આ મુલાકાત રાજીનામું સોંપવા માટેની જ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મુખ્ય પ્રધાન તરીકે નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારની પસંદગી લગભગ ફાઇનલ છે. પદ છોડવાના બદલામાં કદાચ સિદ્ધારમૈયાના દીકરાને પ્રધાનપદ આપવામાં આવે એવી વાતો પણ વેગ પકડી રહી છે. 

આ તમામ અટકળો છતાં કર્ણાટકના કૉન્ગ્રેસના સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલાનું કહેવું છે કે ‘હજી સુધી વિધાનસભ્યોની બેઠક નથી બોલાવી અને કોઈ નિર્ણય ફાઇનલ કરવામાં નથી આવ્યો. પાર્ટી વ્યક્તિઓના હિતમાં નહીં પણ કર્ણાટકની જનતાના હિતમાં નિર્ણય લેશે.’

national news india karnataka congress indian politics political news