ડિવાઇડર તોડીને સામેથી આવેલી લૉરી સ્લીપર બસના પ્રવાસીઓ માટે જીવલેણ બની ગઈ

26 December, 2025 10:37 AM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

ટક્કર થતાં જ બસમાં આગ લાગી, ૧૦ જણ જીવતા ભૂંજાયા, ૨૧ ઘાયલ

સ્લીપર બસ સાથે લૉરી અથડાઈ એ પછી બસમાં આગ લાગી ગઈ હતી.

કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાતે એક સ્લીપર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૦ લોકો જીવતા ભૂંજાયા હતા અને ૨૧ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. નૅશનલ હાઇવે-૪૮ પર ‌હિરિયુર તાલુકાની હદમાં અકસ્માત થયો હતો. બસ બૅન્ગલોરથી ગોકર્ણ જઈ રહી હતી અને એમાં લગભગ ૩૧ પ્રવાસીઓ હતા. રાતે ૨.૩૦ વાગ્યે ફુલ સ્પીડમાં દોડતી લૉરી સામેની તરફથી ડિવાઇડર તોડીને આ પ્રાઇવેટ કંપનીની બસ સાથે ટકરાઈ હતી. ટકરાવ થતાંની સાથે જ બસમાં આગ લાગી ગઈ હતી. એ વખતે મુસાફરો સૂતા હતા એટલે અનેક લોકોને બચવાનો સમય નહોતો મળ્યો. ૧૦ મૃતદેહો સાવ બળી ગયા હોવાથી DNA ટેસ્ટથી જ તેમની ઓળખ થઈ શકશે.

બસ-ડ્રાઇવર અને ક્લીનરે બસમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો જ્યારે લૉરીના ડ્રાઇવર-ક્લીનરનું મૃત્યુ થયું હતું. ઘણા યાત્રીઓએ બસની બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ દર્શાવ્યું હતું અને જીવ ગુમાવનારા લોકોને બે-બે લાખ રૂપિયા તથા ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું હતું. 

national news india karnataka road accident fire incident