02 August, 2026 09:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીની કન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઇન્ડિયામાં યોજાયેલી બેઠકમાં સંબોધન કરતા અરવિંદ કેજરીવાલ. આ ક્લબમાં E20ની વિરુદ્ધમાં લોકોએ સહી કરેલી પિટિશનો પણ મૂકવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે E20 ઈંધણના મુદ્દે યોજેલી બેઠકમાં પેટ્રોલ-પમ્પ પર ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E20 વચ્ચે પસંદગીનો વિકલ્પ આપવાની માગણી કરી હતી. જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૪ ઑગસ્ટે વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી વિરોધ-માર્ચ કાઢવામાં આવશે એવી ચેતવણી તેમણે આપી હતી.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ૨૦૨૩ અગાઉ બનેલી દેશની આશરે ૩૦ કરોડ ગાડીઓ કબાડ બનાવવામાં આવી રહી છે. કેજરીવાલે સરકારને પડકાર ફેંક્યો હતો કે E20થી વાહનોને નુકસાન નથી થતું એ દર્શાવતો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
નૅશનલ ટાઉનહૉલ તરીકે ઓળખાયેલી આ બેઠકમાં જોડાયેલા વાહનચાલકો અને મેકૅનિકોએ પણ આપવીતી જણાવતાં કહ્યું હતું કે E20 પેટ્રોલને કારણે વાહનોની ઍવરેજ ઘટી રહી છે, ફ્યુઅલ-પમ્પ ચોક થઈ રહ્યા છે અને વાહનોનાં એન્જિન ઝડપથી ખરાબ થઈ રહ્યાં છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલ ૧૧,૨૦૫ રૂપિયા (૧૩૫ ડૉલર) પહોંચવા છતાં પેટ્રોલના ભાવ નિયંત્રણમાં રહ્યા, અનાજ ડાઇવર્ટ કરવાના આક્ષેપો ફગાવવામાં આવ્યા
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ પ્રતિ બૅરલ ૧૧,૨૦૫ રૂપિયા (૧૩૫ ડૉલર)ની રેકૉર્ડ સપાટીએ પહોંચ્યા હતા ત્યારે પેટ્રોલમાં ૨૦ ટકા એથનૉલનું મિશ્રણ કરવાના નિર્ણયને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૨૫ રૂપિયા સુધી પહોંચવાને બદલે ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લીટર જાળવી શકાયો હતો. શુક્રવારે પેટ્રોલિયમ મંત્રાલયે એથનૉલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ યોજનાએ સંકટના સમયે ગ્રાહકોને પ્રતિ લીટરે આશરે ૩૦ રૂપિયાની મોટી બચત કરાવી છે.
એથનૉલ બ્લેન્ડિંગ યોજના સામે થઈ રહેલા આક્ષેપોને ફગાવી દેતાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ગરીબો માટેનું અનાજ કે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI)ના સબસિડીવાળા ચોખાને એથનૉલ ઉત્પાદન માટે ડાઇવર્ટ કરવામાં આવ્યા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં જ નક્કી કરાયેલા ભાવે મેળવવામાં આવેલા એથનૉલે ક્રૂડ ઑઇલના વધતા ભાવ સામે રક્ષણ આપ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં ૨૦ કરોડથી વધુ ટૂ-વ્હીલર અને ૩ કરોડથી વધુ પેટ્રોલ-કાર આ ઈંધણ પર સફળતાપૂર્વક ચાલી રહી છે અને એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા મળ્યા નથી.