કલકત્તાની કૉલેજમાં સ્ટુડન્ટ્સ યુનિયનની રૂમમાંથી દારૂની બૉટલો અને કૉન્ડોમ મળ્યા

04 June, 2026 11:22 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

આ સિવાય બે સેમી ઍર-કન્ડિશન્ડ બેડરૂમમાં દારૂની બૉટલો, કૉન્ડોમનાં પૅકેટ અને એક રિવૉલ્વર પણ મળી આવ્યાં હતાં

ઘણાં વર્ષોથી કૉલેજોમાં યુનિયન નેતાઓ દ્વારા પ્રવેશના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લેવાના આરોપો ઝડપથી ફેલાઈ રહ્યા છે

સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી કલકત્તાની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત કૉલેજોમાંની એક સુરેન્દ્રનાથ કૉલેજમાં વિદ્યાર્થીઓના યુનિયનની રૂમમાંથી એક કરોડ રૂપિયાની ઊધઈ લાગેલી રોકડનાં બે મોટાં બૉક્સ મળી આવ્યા બાદ વિવાદ થયો છે. આ સિવાય બે સેમી ઍર-કન્ડિશન્ડ બેડરૂમમાં દારૂની બૉટલો, કૉન્ડોમનાં પૅકેટ અને એક રિવૉલ્વર પણ મળી આવ્યાં હતાં. આ ઘટનાક્રમે બંગાળમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સત્તાના કથિત દુરુપયોગનો મુદ્દો ફરીથી પ્રકાશમાં લાવ્યો છે, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યની કૉલેજોમાં થયેલી ગરબડ માટે તૃણમૂલ કૉન્ગ્રેસને દોષી ઠેરવી છે.

લગભગ એક વર્ષ પછી રૂમ ખોલવામાં આવી હતી. ૨૦૨૫માં કલકત્તા હાઈ કોર્ટે તત્કાલીન તૃણમૂલ સરકારને કૉલેજોમાં યુનિયન રૂમ બંધ કરવાનો નિર્દેશ આપ્યા બાદ એને તાળું મારી દેવામાં આવ્યું હતું, કારણ કે ૨૦૧૯થી કૅમ્પસ ચૂંટણીઓ યોજાઈ નહોતી. ગયા વર્ષે જૂનમાં સાઉથ કલકત્તા લૉ કૉલેજની યુનિયન રૂમમાં ૨૪ વર્ષની વિદ્યાર્થિની સાથે ગૅન્ગરેપની ઘટના બાદ કોર્ટનો આ આદેશ આવ્યો હતો.

સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની BJP સરકારે કૉલેજોને યુનિયનના ભંડોળમાંથી તમામ ખર્ચનું ઑડિટ કરવાનું કહ્યું એ પછી સુરેન્દ્રનાથ કૉલેજની રૂમ ખોલવામાં આવી હતી. 
કોણ વાપરતું હતું?

કૉલેજના સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે આ રૂમોનો ઉપયોગ તૃણમૂલના ‘કંકટ દેબુ’ તરીકે જાણીતા કદાવર નેતા દેવાશિષ બંદ્યોપાધ્યાય અને તેમના પુત્ર શિબાશિષ દ્વારા કરવામાં આવતો હતો. આ રૂમમાં કર્મચારીઓને બન્ને નેતાઓને માલિશ કરવા માટે કહેવામાં આવતું હતું. દેવાશિષ બંદ્યોપાધ્યાયે આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે મને બેડરૂમ વિશે ખબર નહોતી.

મોટા કૌભાંડની શક્યતા?
ઘણાં વર્ષોથી કૉલેજોમાં યુનિયન નેતાઓ દ્વારા પ્રવેશના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લેવાના આરોપો ઝડપથી ફેલાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા સુધી વસૂલ કરવામાં આવતા હતા.

national news india kolkata trinamool congress