✕

કલકત્તામાં ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે મચેલી નાસભાગમાં મરણાંક થયો ૧૯

19 October, 2026 12:47 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

બહાર ભારે વરસાદ પડ્યો એટલે ભીડ અંદર ઘૂસી, એ જ વખતે માઇકમાં સૂચના અપાઈ - પંડાલ પડી રહ્યો છે, બધા બહાર નીકળો

અફરાતફરી પછી વેરવિખેર થઈ ગયેલો ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલ અંદરથી.

કલકત્તાના ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સપ્તમીની સાંજે થયેલી નાસભાગમાં મરણાંક વધીને ૧૯ થયો છે. જીવ ગુમાવનારાઓમાં બે બાળકો, ૪ પુરુષો અને ૧૩ મહિલાનો સમાવેશ છે. આ ઘટનામાં પચીસ લોકો ઘાયલ થયા હતા અને તમામને મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પચીસ ઘાયલોમાંથી ૨૪ લોકો ખતરાથી બહાર છે. એક ઘાયલની સ્થિતિ ગંભીર છે. નાસભાગ સમયે બહાર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો અને દર્શનાર્થીઓની ભીડ વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે બહાર ભારે વરસાદ પડતાં પંડાલની બહારના લોકો એકસાથે અંદર ઘૂસવા લાગ્યા હતા. એ જ વખતે માઇક પર જાહેરાત થઈ કે પંડાલ પડી રહ્યો છે, બધા બહાર નીકળો. આ સૂચનાથી અંધાધૂંધી સરજાઈ હતી અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો હોવાથી નાસભાગ મરણતોલ બની હતી.  

નાસભાગ કેવી રીતે સર્જાઈ?
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ‘પ્રાથમિક સ્તરની તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજાના આયોજકો દ્વારા કરવામાં આવેલી એક જાહેરાતને પગલે ઉત્સવમાં સામેલ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ સાંજે ૭.૪૦ વાગ્યાની આસપાસ થઈ હતી. પ્રાઇવેટ સિક્યૉરિટી એજન્સી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અને સીટીઓ વગાડવાથી અંધાધૂંધી સર્જાઈ હોઈ શકે છે. આ મામલાની સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરવામાં આવશે. ભારે ભીડ અને ભારે વરસાદને કારણે નાસભાગ મચી હતી.’ 

પ્રત્યક્ષદર્શીઓએ પુષ્ટિ આપી છે કે ચોરબાગાન વિસ્તારમાં પંડાલની એન્ટ્રી ખૂબ જ સાંકડી હતી અને બહાર નીકળવા માટે વધુ જગ્યા નહોતી અને એ સાંકડો હતો. ભારે વરસાદને કારણે પહેલાંથી જ ભીડવાળા પંડાલમાં વધુ લોકો ઊમટી પડ્યા જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે પંડાલમાં પોલીસની હાજરી અપૂરતી હતી, પોલીસો મુખ્યત્વે VIP એન્ટ્રી પાસે તહેનાત હતા.

અમિત શાહ ઘાયલોને મળ્યા

શનિવારે રાત્રે જ કલકત્તા પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલના તેમના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા હતા અને તેઓ ઘાયલોને મળવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. મુખ્ય પ્રધાને સુવેન્દુ અધિકારીએ ગઈ કાલે જ કલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને એક સિટિંગ જજના નેતૃત્વમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

૭ જણની ધરપકડ

આ નાસભાગ દુર્ઘટના સંબંધમાં આયોજકો, સિક્યૉરિટી એજન્સીના પ્રતિનિધિ અને વૉલન્ટિયરો સહિત ૭ જણની ધરપકડ કરવામાં આવી છે. નાસભાગની ઘટના બાદ દુર્ગા પૂજા સમિતિના મહાસચિવ અને અન્ય હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધાં છે. જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં સમિતિના સેક્રેટરી રાજ કુમાર સેવડા, ઉપાધ્યક્ષ શાંતનુ દુબે, થીમ બેઝ્ડ એલિવેટેડ સ્ટ્રક્ચર બનાવનારા બિપ્લબ મુખરજી, ભીડ નિયંત્રણ અને VIP પાસ તપાસવાની કામગીરી સંભાળનારા કૌશિક સાહા અને પિન્ટુ ડે, પ્રાઇવેટ સિક્યૉરિટી એજન્સીના પ્રતિનિધિ સુમન ચક્રવર્તી અને પંડાલમાં વ્યવસ્થા જાળવનારા રાજેશ પાલનો સમાવેશ છે.

તૃણમૂલ કૉન્ગ્રેસનો આરોપ ઃ મુખ્ય પ્રધાનના ભત્રીજા દેબદીપ અધિકારી આયોજક 
પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કૉન્ગ્રેસે ચોરબાગાન દુર્ગા પૂજા સમિતિના કથિત BJP સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે BJPના વિધાનસભ્ય વિજય ઓઝા ચોરબાગાન દુર્ગા પૂજા સમિતિના અધ્યક્ષ છે, જ્યારે મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના ભત્રીજા દેબદીપ અધિકારી એક અગ્રણી આયોજક છે. પાર્ટીએ આ ઘટનાની જવાબદારી માટે મુખ્ય પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.

પશ્ચિમ બંગાળના શ્રેષ્ઠ પંડાલોમાં મળ્યો હતો ત્રીજો નંબર

ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલને પશ્ચિમ બંગાળ સરકારના ‘દેવી દુર્ગા સન્માન ૨૦૨૬’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પંડાલને ‘શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ’ શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યો હતો અને સંતોષ મિત્ર સ્ક્વેર તથા વૃંદાવન ગાર્ડન દુર્ગા પૂજા સમિતિ પછી એને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું હતું. આ પુરસ્કાર ૧૬ ઑક્ટોબરે એનાયત કરવામાં આવ્યો હતો. આ પંડાલની થીમ ‘બિયોન્ડ સાઉન્ડ’ હતી અને આ પંડાલમાં દર્શકોને ૩૬૦ ડિગ્રી ફરીને બહાર નીકળવાનું હતું. પ્રાથમિક જાણકારી જણાવે છે કે આ ગોળાકાર એલિવેટેડ વિસ્તારમાં ભીડના દબાણના કારણે દુર્ઘટના થઈ હતી.

અગમચેતીરૂપે કલકત્તામાં ૪ મુખ્ય દુર્ગા પૂજા પંડાલ બંધ

જોકે શનિવારની ઘટના પછી પણ કલકત્તાના અન્ય દુર્ગા પંડાલોમાં ભારે ભીડ જોવા મળી હતી

કલકત્તામાં ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગની ઘટના બાદ શહેરના બીજા ૪ મુખ્ય પૂજા પંડાલ બંધ કરી દેવામાં આવ્યા હતા. નૉર્થ કલકત્તાના પ્રખ્યાત તાલા પ્રત્યાયા પંડાલ, કૉલેજ સ્ક્વેર અને મોહમ્મદ અલી પાર્કમાં પૂજા પંડાલોમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ ચારેય પંડાલોએ જાહેર કર્યું હતું કે મુખ્ય પ્રધાનની સલાહ પર પંડાલને અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યો છે. આ પંડાલ ઝાંખી રોશનીવાળી થીમ પર આધારિત છે એથી પોલીસ અને પ્રશાસન સાથે વિગતવાર સમીક્ષા અને લાઇટિંગ સિસ્ટમના સમારકામ પછી ફરીથી ખોલવામાં આવશે. જોકે અન્ય મોટા ભાગના દુર્ગા પંડાલને ખાસ અસર થઈ નહોતી. મોટા પંડાલો બંધ થઈ જતાં ભક્તોની ભીડ અન્ય પંડાલો તરફ વળી હતી.

national news india kolkata religious places west bengal