મહાસ્નાનમાં મહામાતમ

30 January, 2025 06:58 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

મૌની અમાવસ્યાના અતિ પવિત્ર સ્નાનના મુહૂર્ત પહેલાં થયેલી નાસભાગમાં ૩૦ જણના જીવ ગયા, અનેક ઘાયલ: સાધુ-સંતોએ પરિસ્થિતિ થાળે પડી પછી મોડેથી અમૃત સ્નાન કર્યું

નાસભાગમાં જીવ ગુમાવનારી વ્યક્તિને લઈ જતી પોલીસ, નાસભાગમાં સ્વજનને ગુમાવનારા પરિવારજનોનું આક્રંદ.

દિવ્ય અવસર બન્યો હૃદયદ્રાવક- અખાડા માર્ગ પર રાત્રે એક વાગ્યા બાદ ઘણી ભીડ એકઠી થઈ, પ્રેશરને કારણે બૅરિકેડ્સ તૂટ્યાં, લોકો એકની ઉપર એક પડ્યા, બચવા માટેની દોટમાં ઘણા લોકો કચડાઈ ગયા

પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટ પર મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે મધરાત બાદ થયેલી નાસભાગમાં આશરે ૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ નાસભાગમાં ૬૦ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૩૬ ઘાયલો પર પ્રયાગરાજની હૉસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે અને બાકીના લોકોને પ્રાથમિક સારવાર આપીને રજા અપાઈ છે. તેઓ પરિવારના સભ્યો સાથે પ્રયાગરાજમાંથી નીકળી ગયા છે. મૃત્યુ પામેલા ૩૦ લોકોમાંથી પચીસની ઓળખ થઈ છે.

ત્રણ મિનિટની પ્રેસ-કૉન્ફરન્સ

સાંજે ૬.૩૦ વાગ્યે મેળા અધિકારી વિજય કિરણ આનંદ અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) વૈભવ કૃષ્ણાએ ઘટનાના ૧૭ કલાક બાદ ત્રણ મિનિટની પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે નાસભાગમાં ૩૦ લોકોનાં મૃત્યુ થયાં છે, ૬૦ લોકો ઘાયલ છે, ૩૬ જણ પર ઉપચાર ચાલી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના ૧૯ ભાવિક

મરનારમાં સૌથી વધુ ૧૯ ઉત્તર પ્રદેશના, ૪ કર્ણાટકના અને એક-એક શ્રદ્ધાળુ ગુજરાત અને આસામના છે.

મધરાતે દોઢ વાગ્યાની ઘટના

અખાડાઓના સાધુ-સંતો જ્યાંથી સંગમ સુધી જતા હોય છે એ અખાડા માર્ગ પર મંગળવારે મધરાત બાદ એકથી બે વાગ્યાની વચ્ચે હજારો લોકો આવી ગયા હતા. એમાંથી કેટલાક લોકો નાગા સાધુઓનાં દર્શન માટે આવ્યા હતા.

બૅરિકેડ્સ તૂટ્યાં

ભારે ભીડના કારણે સંગમ તરફ જતા રસ્તા પર કેટલાંક બૅરિકેડ્સ તૂટી ગયાં હતાં, પરિણામે ઘણા શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા અને એથી અફરાતફરી મચી હતી. જે લોકો નીચે પડી ગયા હતા તેઓ કચડાઈ ગયા હતા અને એમાંથી કેટલાકનાં મૃત્યુ થયાં હતાં.

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનનો મોહ

સંગમ તટ સુધી પહોંચેલા કેટલાક શ્રદ્ધાળુઓની ઇચ્છા સવારે બ્રહ્મ મુહૂર્તમાં અખાડાના સાધુઓના સ્નાન બાદ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની હતી.

સૂતેલા લોકો પણ કચડાયા

પોલીસે કહ્યું હતું કે અફરાતફરીમાં લોકો આમતેમ દોડવા લાગતાં સંગમ તટની પાસે ગંગાના વિશાળ પટમાં સૂઈ ગયેલા લોકો પણ કચડાઈ ગયા હતા.

૯૦ને હૉસ્પિટલ પહોંચાડ્યા

પોલીસે આશરે ૯૦ જેટલા લોકોને ઍમ્બ્યુલન્સ દ્વારા સેન્ટ્રલ હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

VIP મૂવમેન્ટ નહોતી

પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે મૌની અમાવસ્યાના કારણે મેળા ક્ષેત્રમાં કોઈ VIP પ્રોટોકૉલ નહોતો. શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તનો ઇંતેજાર કરતા હતા અને ત્યારે નાસભાગ મચી હતી.

ફેક ન્યુઝથી સાવધાન, એક પણ ટ્રેન રદ નથી
પૂર્વોત્તર રેલવેએ જણાવ્યું હતું કે પ્રયાગરાજથી દોડતી તમામ ટ્રેનોનું સંચાલન બરાબર થઈ રહ્યું છે. એક પણ ટ્રેન કૅન્સલ કરવામાં આવી નથી. મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષિત વાપસી માટે રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી છે.

પ્રયાગરાજના ૮ એન્ટ્રી-પૉઇન્ટ્સ બંધ
ગઈ કાલે પ્રયાગરાજમાં આશરે ૮થી ૧૦ કરોડ લોકો આવતાં પ્રશાસને સલામતીના ભાગરૂપે પ્રયાગરાજ તરફ આવતા ભદોહી, ચિત્રકૂટ, કૌશાંબી, ફતેહપુર, પ્રતાપગઢ, જૌનપુર, રેવા અને મિર્ઝાપુરના એન્ટ્રી-પૉઇન્ટ્સને બંધ કરી દીધા હતા.

નાસભાગનાં બે સંભવિત કારણ

અમૃત સ્નાનના કારણે મોટા ભાગના પૉન્ટૂન પુલ બંધ હતા. સંગમ પર ભીડ એકઠી થતી રહી. એવામાં બૅરિકેડ્સમાં ફસાઈને લોકો નીચે પડ્યા અને આના કારણે નાસભાગ મચી હતી. સંગમ નોઝ પર એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટના રસ્તા અલગ નથી, જે રસ્તેથી લોકો આવી રહ્યા હતા એ જ રસ્તેથી લોકો પાછા જઈ રહ્યા હતા. જ્યારે નાસભાગ થઈ ત્યારે કોઈને સલામત સ્થળે જવાનો મોકો ન મળ્યો, તેઓ એકબીજા પર પડતા ગયા. આ દુર્ઘટના બાદ હવેથી સ્નાન કરવા જવા માટે એક માર્ગથી શ્રદ્ધાળુઓને જવા દેવાશે અને સ્નાન કર્યા બાદ બહાર નીકળવા બીજો રસ્તો ખોલવામાં આવશે.

વિવાદિત નિવેદન આપ્યા બાદ સંજય નિષાદે માફી માગી લીધી
આટલા મોટા આયોજનમાં આવી નાની-નાની ઘટનાઓ થઈ જાય છે એવું નિવેદન આપનારા યોગી સરકારના પ્રધાન સંજય નિષાદે વિવાદ બાદ માફી માગી લીધી છે. તેમણે કહ્યું હતું કે મહાકુંભમાં થયેલી નાસભાગને નાની ઘટના કહેવું એ મારાથી ભૂલ થઈ હતી, મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો.

national news india kumbh mela uttar pradesh yogi adityanath religious places