14 April, 2025 07:21 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
કુણાલ કામરા અને પ્રકાશ રાજ (તસવીર: X)
સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ તેના મુંબઈમાં યોજાયેલા એક શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. કામરાની આ કૉમેડીને લીધે પછી તે વિવાદમાં આવ્યો હતો. આ સાથે તેને જાનથી મારી નાખવાની અનેક ધમકીઓ પણ મળવા લાગી હતી. કામરા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મામલો કોર્ટમાં ગયો. જોકે હાલમાં તેણે હવે અભિનેતા પ્રકાશ રાજ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર કુણાલ સાથેનો ફોટો શૅર કર્યો અને એક કૅપ્શન લખ્યું, જેના પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
હિન્દી અને દક્ષિણ ફિલ્મોમાં ક્યારેક ખલનાયક તો ક્યારેક કોમિક પાત્રો ભજવનારા પ્રકાશ રાજ સરકાર વિરુદ્ધ બોલીને ચર્ચા અને વિવાદમાં રહેતા હોય છે. તે નિર્ભયતાથી પોતાના વિચારો જાહેરમાં અને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરે છે અને સમાચારની હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર તેમણે એવું કંઈક કર્યું જેની ચર્ચા વ્યાપકપણે થઈ રહી છે. તેમણે કુણાલ કામરા સાથેનો એક ફોટો શૅર કરી આ વિવાદ ફરી શરૂ કર્યો છે.
કુણાલ કામરા સાથે પ્રકાશ રાજની રમુજી કૅપ્શન
ફોટામાં પ્રકાશ રાજ અને કુણાલ કામરા ટ્વિન્સના રૂપમાં જોવા મળે છે. બન્નેએ કાળા રંગના ટી-શર્ટ પહેર્યા છે. કૅપ્શનમાં પ્રકાશ રાજે લખ્યું હતું, `ભાઈ તમિલનાડુ કેવી રીતે પહોંચશો?` સરળ... ઑટો રિક્ષામાં. કુણાલ કામરા. હેશટેગ ફક્ત પૂછી રહ્યો છું. 11 એપ્રિલના રોજ, જ્યારે અભિનેતાએ તેના એક્સ હેન્ડલ પર ફોટો શૅર કર્યો, ત્યારે કેટલાક લોકોને તે ગમ્યું નહીં અને તેમને સુધારવાની સલાહ આપી.
ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ
હકીકતમાં, કૅપ્શન એક લીક થયેલી ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કરે છે જેમાં શિવસેનાના એક અધિકારીને કથિત રીતે કૉમેડિયનને ધમકી આપતા સાંભળી શકાય છે. ઓડિયોમાં, તે ચેતવણી આપતા સાંભળી શકાય છે કે તેનું પણ તે સ્ટુડિયો જેવી જ હાલત થશે. આ પછી ફોન કરનારે કૉમેડિયનને તે ક્યાં રહે છે તેના વિશે પૂછ્યું, જેના જવાબમાં કામરાએ કહ્યું, `તમિલનાડુ આવો, હું તમને અહીં મળીશ.` જ્યારે ફોન કરનારે પ્રશ્ન ફરીથી પૂછ્યો, ત્યારે કામરાએ તમિલનાડુ પહોંચ્યા પછી તેને રૂબરૂ વાત કરવાનો પડકાર ફેંક્યો. અને તેણે એમ પણ પૂછ્યું, `ભાઈ, હવે આપણે તમિલનાડુ કેવી રીતે પહોંચીશું?` આનો ઉલ્લેખ કૅપ્શનમાં કરવામાં આવ્યો છે.
બે સમન્સ મોકલાવ્યા બાદ પણ પોલીસ સમક્ષ હાજર ન રહેલા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાના દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં કટારિયા કૉલોનીમાં આવેલા ઘરે મુંબઈ પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસે આપેલા બીજા સમન્સ મુજબ તેણે ગઈ કાલે હાજર થવાનું હતું, પણ કુણાલ પોલીસ સમક્ષ હાજર ન રહેતાં ત્રીજું સમન્સ આપવા મુંબઈ પોલીસની ટીમ ગઈ હોવાનું કહેવાય છે.