Kurnool Bus Fire: બાઈક સાથે અથડાયા બાદ બસ બળી ગઈ- ૨૦ જણ જીવતા બળી ગયા

24 October, 2025 12:45 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent

Kurnool Bus Fire: હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાવેરી ટ્રાવેલ્સની આ બસમાં આગ લાગવાથી ૨૦ લોકો જીવતા ભૂંજાયા છે. અમુક પેસેન્જર્સ બહાર આવી ન શકવાને કારણે બળીને ખાખ થઈ ગયા

ફાઇલ તસવીર

આંધ્રપ્રદેશના કુર્નૂલમાંથી ભયાવહ હાદસા (Kurnool Bus Fire)ના અહેવાલ મળી રહ્યા છે. અહીં હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાવેરી ટ્રાવેલ્સની આ બસમાં આગ લાગવાથી ૨૦ લોકો જીવતા ભૂંજાયા છે.

અમુક પેસેન્જર્સ બહાર આવી ન શકવાને કારણે બળીને ખાખ થઈ ગયા

મળતી માહિતી અનુસાર આ હાદસો હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર બન્યો હતો. યાત્રીઓથી ભરેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. આ હાદસો વહેલી સવારે 3 વાગ્યાથી 3:10ની વચ્ચે થયો હતો. બસ એક બાઇક સાથે અથડાઈ હતી, જેના કારણે ઇંધણ લીક થયું હતું અને આગ ફાટી નીકળી હતી. 41 મુસાફરોમાંથી 21ને બચાવી લેવાયા છે.  બાકીના 20 લોકો જીવતેજીવત ભૂંજાઈ ગયા છે. પ્રાથમિક અહેવાલો જણાવે છે કે આ બસમાં જે મુસાફરો હતા તમથી લગભગ 12 મુસાફરો ઇમર્જન્સી એક્ઝિટનો દરવાજો તોડવામાં સફળ રહ્યા હતા અને નાની-મોટી ઇજાઓ સાથે બહાર આવ્યા હતા, જ્યારે અન્ય ઘણા પેસેન્જર્સ બહાર આવી ન શકવાને કારણે બળીને ખાખ થઈ ગયા હતા. 

ઘાયલોની સારવાર ચાલી રહી છે

ઘાયલોને હાલ સારવાર માટે કુર્નૂલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. (Kurnool Bus Fire) જ્યાં તેઓ સારવાર હેઠળ છે.

દ્રૌપદી મુર્મુએ અને વડા પ્રધાને પણ સંવેદના વ્યક્ત કરી 

દેશનાં રાષ્ટ્રપતિ તેમ જ વડા પ્રધાને પણ આ ભયાવહ અકસ્માત (Kurnool Bus Fire)માં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર લખ્યું હતું કે "આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બસમાં લાગેલી આગની દુઃખદ ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.  હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું." 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હાદસા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પીએમ મોદીએ જણાવ્યું હતું કે "આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી અત્યંત વ્યથિત છું. મારી સંવેદના આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સાજા થયા તેવી પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.  ઘાયલોને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે"

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આ બસ હાદસા (Kurnool Bus Fire) અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું કે, "કુર્નૂલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામ નજીક બસમાં આગ લાગવાની દુઃખદ ઘટના આઘાતજનક છે. પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદના છે. સરકારી અધિકારીઓ ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડશે."

national news india andhra pradesh fire incident road accident hyderabad bengaluru narendra modi droupadi murmu indian government