દિલ્હીના જંતરમંતર પર લદ્દાખના ઍક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ભૂખહડતાળ પર બેઠા

29 June, 2026 10:11 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જનતા પાર્ટીના આંદોલનને રોકવા ખેડૂતનેતાઓ નજરકેદ કરાયા હોવાનો આક્ષેપ, પોલીસે પાણી અને શૌચાલયની સુવિધા બંધ કર્યાનો દાવો

ગઈ કાલે દિલ્હીના જંતરમંતર ખાતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક, કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે અને પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ વિરોધ-પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરવ્યવસ્થાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતરમંતર પર ચાલી રહેલું પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારથી આ વિરોધ-પ્રદર્શનમાં જોડાઈને ભૂખહડતાળ શરૂ કરી દીધી છે. જંતરમંતર પર ૨૦ જૂનથી કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં રવિવારે સેંકડો લોકો એકઠા થયા હતા.

આંદોલનની આગેવાની કરી રહેલા સંગઠનના સ્થાપક અભિજીત દીપકેએ સોશ્યલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે સોનમ વાંગચુકે ઉપવાસ શરૂ કરતાં જ દિલ્હી પોલીસે પ્રદર્શનસ્થળે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને શૌચાલય-સ્વચ્છતાની સુવિધાઓ બંધ કરી દીધી છે. વાંગચુકની ઉંમર અને સ્વાસ્થ્યની ચિંતા હોવા છતાં પોલીસ સહકાર આપી રહી નથી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના અનેક ખેડૂત નેતાઓને દિલ્હીના આ પ્રદર્શનમાં જોડાતા રોકવા માટે તેમનાં ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

national news india delhi news new delhi jantar mantar cockroach janata party political news Sonam Wangchuk