29 November, 2026 09:58 AM IST | Jharkhand | Aashutosh Desai
જમના ટુડુ
ટારઝનની જેમ જ જંગલને પોતાનું ઘર માનતાં, જ્યાં પણ વૃક્ષોની ગેરકાયદે કાપણી થતી હોય ત્યાં સામે થવાની હામ ધરાવતાં અને વનલૂંટારાઓની ધમકીને જરાય મચક ન આપતાં નિર્ભય મહિલા જમના ટુડુએ પોતાના જેવી જ ૧૦,૦૦૦ મહિલાઓની મહાસેના ખડી કરીને પ્રકૃતિના સંરક્ષણમાં જોડી દીધી છે. એક સાધારણ મહિલાની અસાધારણ સિદ્ધિ મેળવીને પદ્મશ્રી મેળવવા સુધીની કહાણી જબરદસ્ત પ્રેરણાદાયી છે
એક તરફ સેંકડો વર્ષ જૂનાં સાલનાં વૃક્ષોનું ગાઢ જંગલ છે અને બીજી તરફ હાથમાં કુહાડીઓ લઈ નીકળેલા લાકડાના માફિયાઓ છે. તેમની પાસે પૈસા છે, માણસો છે, હથિયારો પણ છે અને વગદાર લોકોનું પીઠબળ પણ છે. જ્યારે બીજી તરફ કેટલીક સામાન્ય આદિવાસી મહિલાઓ, જેમની પાસે હથિયાર તરીકે માત્ર લાકડીઓ અને તીર-કામઠાં છે, પરંતુ તેમની પાસે છે હિંમત અને જંગલને બચાવવાનો અડગ નિર્ધાર. એક એવી મહિલા જેની પાસે ન કોઈ રાજકીય સત્તા છે, ન કોઈ મોટું સંગઠન કે ન કોઈ આર્થિક સામર્થ્ય છે, પણ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને અન્યાય સામે લડવાની હિંમત એવી જબરદસ્ત કે જે મોટા-મોટા માફિયાઓને પડકારવા માટે પૂરતી છે. નામ જમુના ટુડુ, ઉપનામ લેડી ટારઝન ઑફ ઝારખંડ.
જમુના પોતાના ગામની આસપાસનાં વૃક્ષો કપાતાં જોઈ વ્યથિત થઈ ઊઠતી. જોકે માત્ર ચિંતિત થવાને બદલે તેણે પાંચ મહિલાઓ સાથે જંગલ બચાવવાની શરૂઆત કરી. આજે તે પર્યાવરણપ્રેમી તરીકે જ નહીં, પરંતુ હજારો લોકોને જંગલ-સંરક્ષણ સાથે જોડનારી પ્રેરણાદાયી આગેવાન તરીકેની ઓળખ ધરાવે છે. આ કહાની છે એક એવી લેડી ટારઝનની, જેણે જંગલને પોતાની સંપત્તિ નહીં, પરંતુ પરિવારનું સભ્ય ગણ્યું છે, જેણે મહિલાઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવીને જંગલની રખેવાળ બનાવી છે, જેણે સાબિત કર્યું કે પર્યાવરણના રક્ષણ માટે મોટા હોદ્દાની નહીં, મોટા હૃદયની જરૂર હોય છે.
આદિવાસી પરિવારની અસાધારણ દીકરી
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર વિસ્તારમાં રહેતા સંથાલ આદિવાસી પરિવારમાં જન્મેલી જમનાનું બાળપણ પ્રકૃતિના ખોળામાં વીત્યું. વૃક્ષો, છોડ, જંગલો અને કુદરતી વાતાવરણ તેના જીવનનો જાણે અભિન્ન હિસ્સો બની રહ્યાં. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય, પણ પ્રકૃતિ સાથેનો સંબંધ માત્ર જીવનનિર્વાહનું સાધન નહીં, જીવન જીવવાની એક રીત હતી.
વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તેને વારસામાં મળ્યો હતો. તેના પિતા વૃક્ષો વાવતા અને પ્રકૃતિની કાળજી પણ લેતા. બાળપણથી જ તેણે પરિવારને છોડ અને વૃક્ષોનું જતન કરતા જોયો હતો. ભણતર માત્ર દસમા ધોરણ સુધીનું, પરંતુ ભણતરના પ્રમાણપત્ર કરતાં અનુભવ જમુના માટે હંમેશાં વધુ મૂલ્યવાન બની રહ્યો. તેને કદાચ એ સમયે ખ્યાલ પણ નહોતો કે બાળપણમાં કેળવાયેલો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ એક દિવસ હજારો મહિલાને એકસાથે લઈ આવશે.
૧૯૯૮ની સાલમાં તેનાં લગ્ન થયાં અને ઓડિશાથી ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લાના ચાકુલિયા બ્લૉકમાં આવેલા મુતુરખામ ગામમાં તેઓ રહેવા આવ્યાં. જમુનાને કદાચ આશા હતી કે નવા ગામમાં પણ તેને બાળપણની જેમ જ હરિયાળા વાતાવરણ વચ્ચે જીવવા મળશે પણ નવી જગ્યાએ વાતાવરણ અને પરિસ્થિતિ જોઈ તે અંદરથી હચમચી ગઈ. ગામની આસપાસ જે વિશાળ સાલનાં જંગલો હતાં એ આમ તો ગામલોકોની રોજિંદી જરૂરિયાતો, પશુઓનો ચારો, લાકડાં, પાંદડાં, ઔષધીય વનસ્પતિઓ અને સ્થાનિક જીવસૃષ્ટિ માટે જીવનરેખા સમાન હતાં, પરંતુ, ધીમે-ધીમે આ જંગલો ગેરકાયદે લાકડાના વેપારનો ભોગ બની રહ્યાં હતાં.
લાકડાના માફિયાઓ એ કીમતી સાલનાં વૃક્ષો એક પછી એક કાપતા જઈ રહ્યા હતા. જંગલની સંપત્તિનો આ રીતે બેફામ દુરુપયોગ થઈ રહ્યો હતો. જે દેખીતી રીતે જ જંગલી પ્રાણી-પક્ષીઓના કુદરતી નિવાસસ્થાન પર એક મોટો હુમલો હતો, જેને કારણે મોટું જોખમ ઊભું થઈ રહ્યું હતું. જમુનાને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે લોકો આ બધું પોતાની આંખ સામે જોઈ રહ્યા હતા, છતાં કોઈ વિરોધ નહોતું કરી રહ્યું. તે જાણતી હતી કે જો આ રીતે વૃક્ષો કપાતાં રહેશે તો આવનારી પેઢીને જંગલ જોવા પણ નહીં મળે. તેણે નિર્ણય કર્યો, જંગલ બચાવવા માટે કોઈ બીજું આવશે એવી રાહ જોવી નિરર્થક છે, શરૂઆત પોતે જ કરવી પડશે.
પાંચ મહિલા અને જંગલ બચાવોની લડાઈ
નવાં નવાં લગ્ન અને નવી જગ્યા છતાં ડર્યા કે અચકાયા વિના જમુના ટુડુએ પોતાના એક નવતર અભિયાનની શરૂઆત કરી. શરૂઆતમાં માત્ર પાંચ મહિલાઓ તેની સાથે આ અભિયાનમાં જોડાઈ. આ સત્કાર્ય માટે હાથમાં ન કોઈ મોટું ભંડોળ કે ન કોઈ સરકારી સુરક્ષા-વ્યવસ્થા. હાથવગો હતો માત્ર એક હેતુ, ‘પોતાના ગામની આસપાસનાં જંગલોને બચાવવાં છે!’
જમુનાએ ગામની મહિલાઓને સમજાવવાનું શરૂ કર્યું કે વૃક્ષો કપાવાથી માત્ર જંગલનું જ નુકસાન નથી, પરંતુ ગામનાં પાણી, વરસાદ, ખેતી, પશુઓ અને આવનારી પેઢીના ભવિષ્યને પણ મોટું નુકસાન છે. ગામના કેટલાક લોકો માટે જંગલમાંથી લાકડાં મેળવવાં એ રોજિંદા જીવનનો ભાગ હતો. તેમને લાગતું હતું કે વૃક્ષો બચાવવાના નામે જમુના તેમની આ જરૂરિયાતો પર નિયંત્રણ લાદવાની વાતો કરી રહી છે, જેને કારણે શરૂઆતમાં લોકોએ અત્યંત વિરોધ કર્યો, પરંતુ તેણે હાર માન્ય વિના એક પછી એક મહિલાને સમજાવી અને જંગલની રક્ષા માટે તેમને સંગઠિત કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તો એ નાનકડું જૂથ એક સંગઠિત મહિલા ટુકડીમાં પરિવર્તિત થઈ ગયું.
‘હમ તો અકેલે હી ચલે થે...’વાળી ઉક્તિની જેમ જમુનાના અભિયાનમાં હવે આશરે ૬૦ જેટલી મહિલાઓ જોડાઈ ચૂકી હતી અને તેમણે કોઈ ફૉરેસ્ટ આર્મીની જેમ જંગલની રક્ષા માટે સતત પૅટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું અને જન્મ થયો સામાન્ય મહિલાઓના એક અસાધારણ જનઆંદોલનનો.
તીર-કામઠાંવાળી સામાન્ય
મહિલાઓની આર્મી
જમુના ટુડુના અભિયાનની સૌથી રોમાંચક અને સાહસિક બાબત એ છે કે તેણે જંગલની સુરક્ષા માટે મહિલાઓની એક એવી ટુકડી તૈયાર કરી, જે સીધી જંગલમાં જઈ ગેરકાયદે વૃક્ષકાપ પર નજર રાખતી હતી. જોકે પૅટ્રોલિંગ માટે મહિલાઓ પાસે આધુનિક સુરક્ષાનાં કોઈ સાધનો નહોતાં. તે તો બસ લાકડીઓ, તીર-કામઠાં, ભાલા અને અન્ય પરંપરાગત સાધનો સાથે જ જંગલના દુશમન સામે જંગલ નામના યુદ્ધમેદાનમાં કૂદી પડતી હતી. જમુનાએ તેમની આ મહિલા બ્રિગેડને એ રીતે કામોની વહેંચણી કરી હતી કે ક્યાંય પણ કોઈ ચૂક થાય નહીં. પહેલું કામ હતું જંગલમાં કોણ ગેરકાયદે વૃક્ષો કાપે છે એના પર નજર રાખવી. ત્યાર બાદ કુહાડીથી વૃક્ષો કાપવાનો અવાજ સંભળાય તો એ દિશામાં તપાસ કરવી. ગેરકાયદે લાકડાંની હેરાફેરી રોકવા માટે સ્થાનિક સ્તરે જ વિરોધ કરવો. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થાય કે તરત સંબંધિત અધિકારીને એની બાતમી આપવી. જંગલમાં આગ લગાડવાનો કે અન્ય નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ન થાય એ નજર રાખવી.
મહિલાઓ માટે જંગલમાં જવું એ કોઈ મનોરંજક પ્રવાસ તો નહોતો જ, પણ રોજિંદી જવાબદારી નક્કી કરવી એ પણ એટલું જ જરૂરી હતું. એટલે મહિલા બ્રિગેડને જવાબદારીની સાથે જ સમય પણ નક્કી કરી આપ્યો. દિવસમાં ત્રણ વખત જંગલની ચોકીદારી! જમુના અને તેની આ મહિલા-આર્મીએ ત્રણ પાળીમાં જંગલની દેખરેખ રાખવાનું શરૂ કર્યું, માફિયાઓ બદલો લેવા માટે રાત્રે જંગલમાં આગ લગાડવાનો પણ પ્રયત્ન કરી શકે, આથી તેણે કેટલીક મહિલાઓને રાત્રે પણ ચોકીદારી કરવાની જવાબદારી સોંપવી પડી.
ઘણી વાર તો જંગલમાં ગેરકાયદે કાપણી કરનારા લોકો એટલી વગ ધરાવતા હોય કે ચોકી કરતી મહિલાઓને મારી નાખવા સુધીની ધમકીઓ મળતી, પણ જમુના અને તેની સાથી બહેનોએ ડર્યા કે પાછળ હટ્યા વિના જંગલ સુરક્ષિત રાખવાની પોતાની જવાબદારી નભાવતી રહી.
ધમકી - હુમલા અને જીવનું જોખમ
કોઈ પણ મોટા પરિવર્તનની પાછળ સંઘર્ષ હોય જ છે. જમુના ટુડુની સફરમાં પણ આ સંઘર્ષ સતત અને અત્યંત કઠિન રહ્યો છે. લાકડાના માફિયાઓને જ્યારે સમજાયું કે મહિલાઓની આ ટુકડી તેમના ગેરકાયદે ચાલતા વ્યાપાર-વ્યવસાયમાં અડચણ ઊભી કરી રહી છે, ત્યારે તેમના માટે જમુના આણિ લેડીઝ આર્મી એક મોટો પડકાર બની ગયાં. જમુનાએ અનેક પ્રસંગોએ આવી અનેક ધમકીઓનો સામનો કર્યો. અરે, તેના પર હુમલા પણ થયા અને સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ પણ થઈ, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકીઓ તો જાણે સામાન્ય બાબતો થઈ ગઈ હતી, પરંતુ જમુના દરેક વખતે એક જ વાત કહેતી કે, તેનો હેતુ કોઈની સાથે વ્યક્તિગત દુશ્મની કરવાનો નથી, તેનો હેતુ તો માત્ર જંગલને બચાવવાનો છે. તે આવી ધમકીઓ કે હુમલાઓનો માત્ર વિરોધ કરીને અટકી નહીં. તેણે ગેરકાયદે પ્રવૃત્તિઓની સતત જાણ પોલીસ અને વનવિભાગને કરતી રહીં. જરૂરપડ્યે લેખિત ફરિયાદો નોંધાવી અને કાયદાકીય કાર્યવાહી માટે સહયોગ આપ્યો. તેણે સાબિત કરી દેખાડ્યું કે પર્યાવરણનું રક્ષણ માત્ર ભાષણોથી નહીં, પરંતુ સંગઠિત સામાજિક જવાબદારી અને સતત કામગીરી દ્વારા જ થઈ શકે એમ છે.
વન સુરક્ષા સમિતિ - એક વિચારમાંથી ઊભું થયું મોટું સંગઠન
જમુના ટુડુએ જંગલ-સંરક્ષણના આ અભિયાનને કાયમી સ્વરૂપ આપવા માટે ‘વન સુરક્ષા સમિતિ’ની રચના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું રક્ષણ કરવું. જમુનાએ આ સમિતિ દ્વારા મહિલાઓને માત્ર સહાયક તરીકે નહીં, પરંતુ નેતૃત્વની ભૂમિકામાં આગળ ધપાવી. તેણે એ સુનિશ્ચિત કર્યું કે મહિલાઓ જંગલની દેખરેખ તો રાખે જ, પણ સાથે જ ગેરકાયદે કાપણી સામે અવાજ પણ ઉઠાવે, લોકોને સમજાવે અને પર્યાવરણ-સંરક્ષણની જવાબદારી પણ સ્વીકારે.
ધીમે-ધીમે તેમની પહેલ આસપાસનાં ગામોમાં પણ ફેલાવા માંડી. એક તબક્કે જમુનાના પ્રયાસોથી કોલ્હાન વિભાગમાં આશરે ૧૫૦ જેટલી વનસમિતિઓ રચાઈ, જેમાં ૬૦૦૦થી વધુ સભ્યો જોડાયા. એ પછી તો અભિયાનનો વ્યાપ દિવસે ન વધે એટલો રાતે વધવા લાગ્યો. પાંચ મહિલાઓથી શરૂ થયેલી એક પહેલ હવે એક મોટા સામુદાયિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે. ૫૦૦થી વધુ ગામો સુધી અને આશરે ૧૦,૦૦૦ વનસંરક્ષકો જમુના સાથે જોડાયેલા છે. જમુનાની સૌથી મોટી જીત એ નથી કે તેણે કેટલાં વૃક્ષો બચાવ્યાં. તેની સૌથી મોટી જીત એ છે કે તેણે હજારો લોકોને વૃક્ષો બચાવવાની જવાબદારી સ્વીકારતાં શીખવ્યું.
૫૦ હેક્ટર જંગલને બચાવવામાં સફળતા
જમુના ટુડુના આ પ્રયાસોનું પરિણામ આવ્યું કે મુતુરખામ ગામની આસપાસના આશરે ૫૦ હેક્ટર એટલે કે અંદાજે ૫ લાખ ચોરસમીટર અને આશરે ૧૨૩.૫ એકર જેટલો જંગલવિસ્તાર તેઓ બચાવી શક્યાં. તેમની આ સફળતાની નોંધ અને ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ પોતાના ૨૦૧૭ની બીજી સપ્ટેમ્બરના રિપોર્ટમાં કર્યો હતો.
આ જંગલની બચત એટલે સાલ સહિતનાં અનેક વૃક્ષો, વનસ્પતિઓ અને સ્થાનિક જીવસૃષ્ટિનું અસ્તિત્વ જળવાઈ રહે એની ખાતરી. આ ખાતરીનું સંપૂર્ણ શ્રેય જમુના અને તેની મહિલા-આર્મીને આપવો પડે, કારણ કે જંગલ બચાવવાથી માત્ર વૃક્ષો જ નથી બચતાં, એની સાથે અનેક પર્યાવરણીય લાભો પણ જોડાયેલા છે. જમીનનું ધોવાણ અટકે છે. વરસાદી પાણી જમીનમાં ઊતરવાની પ્રક્રિયાને સહાય મળે છે. પક્ષીઓ અને પ્રાણીઓને કુદરતી રહેઠાણ મળે છે. સ્થાનિક લોકોને જંગલ આધારિત જીવનનિર્વાહની અનેક સુવિધાઓ જળવાઈ રહે છે. અને આ બધા સિવાય પર્યાવરણનું સંતુલન જાળવવામાં મોટી મદદ મળે એ તો ખરું જ.
જમુના ટુડુ હજી અટક્યા નથી. ઉદ્દેશ સ્પષ્ટ છે. તે કહે છે કે, એક ગામનું જંગલ બચાવવું પૂરતું નથી. દરેક ગામ પોતાના જંગલનું રક્ષણ કરવા સક્ષમ બનવું જોઈએ. આજે તેનું આ અભિયાન ૫૦૦થીય વધુ ગામોમાં ફેલાયેલું છે અને આશરે ૧૦,૦૦૦ વનસંરક્ષકો તેના આ પ્રયાસો સાથે જોડાયેલા છે.
દીકરીજન્મ પર વૃક્ષારોપણ અને મહિલા સશક્તીકરણ
જમુના ટુડુએ આ બધાં કાર્યો સાથે જ દીકરીના જન્મને પણ વૃક્ષારોપણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. તેણે પરિવારમાં દીકરીનો જન્મ થાય ત્યારે વૃક્ષ વાવવાની પરંપરાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. જમુના કહે છે કે, દીકરીનો જન્મ આનંદ અને ગૌરવની બાબત છે. જે રીતે દીકરીને પ્રેમ અને સંભાળની જરૂર છે, એ જ રીતે એક છોડને પણ ઉછેર અને રક્ષણની જરૂર છે. ભારતીય સમાજમાં કેટલાક વિસ્તારોમાં દીકરીના જન્મને હજી પણ ભેદભાવથી જોવામાં આવે છે. ત્યારે જમુના વૃક્ષારોપણ દ્વારા જંગલ બચાવવાની મર્યાદા ઓળંગીને મહિલા સશક્તીકરણ અને દીકરીઓના સન્માન સુધી પહોંચે છે. જંગલ બચાવતાં-બચાવતાં જમુના ટુડુએ ન માત્ર અનેક મહિલાઓનું જીવન બદલ્યું છે, બલકે તેમને નવી ઓળખ પણ અપાવી છે. સામાન્ય રીતે ગામડાંની મહિલાઓની જવાબદારી ઘર, બાળકો, ખેતી અને પરિવાર સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ જમુનાએ તેમને ગામનાં કુદરતી સંસાધનોના રક્ષણની જવાબદારી પણ સોંપી.
વૃક્ષો સાથે રક્ષાબંધન
જમુના ટુડુ રક્ષાબંધનના દિવસે વૃક્ષોને રાખડી બાંધે છે. તેઓ ભાઈ-બહેનના આ પ્રેમ અને રક્ષણના પર્વને પ્રકૃતિ સાથેના સંબંધને મજબૂત બનાવવાના પ્રસંગ તરીકે પણ જુએ છે, કારણ કે તેના માટે વૃક્ષો માત્ર લાકડું આપતાં સાધન નથી, પરંતુ વૃક્ષો તેનો જીવંત પરિવાર છે. આ જ વિચારે જમુના કહે છે, ‘મારે બાળકો નથી. વૃક્ષો અને છોડ જ મારાં બાળકો છે.’