લખીમપુર ખૈરી કેસમાં ૨૩ જ સાક્ષીઓ કેમ? : સુપ્રીમનો સવાલ

27 October, 2021 09:13 AM IST  |  Lakhimpur | Gujarati Mid-day Correspondent

કેસની આગામી સુનાવણી ૮ નવેમ્બરે થવાની છે

ફાઈલ તસવીર

મંગળવારે સુપ્રીમ કોર્ટે લખીમપુર કેસમાં ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર મારી હતી. લખીમપુર ખેરીની ઘટના વખતે મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં સાક્ષીઓની સંખ્યા ઓછી હોવા અંગે કોર્ટે સવાલ પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે ઘટના વખતે હજારો લોકો હાજર હતા, તેની સામે માત્ર ૨૩ જ સાક્ષી કેમ છે?

ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને હિમા કોહલીની બનેલી બેન્ચે યુપી સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. બેન્ચે પૂછ્યું હતું કે અહેવાલ પ્રમાણે ઘટનાસ્થળે ૪૦૦૦થી ૫૦૦૦ લોકો હાજર હતા અને ઘટના પછી પણ એ જ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ન હોવી જોઈએ. યુપી સરકાર વતી હાજર રહેલા વકીલ હરીશ સાળવેએ કહ્યું હતું કે ૬૮માંથી ૩૦ જ સાક્ષીનાં નિવેદનો અત્યાર સુધી રેકૉર્ડ થઈ શક્યા છે અને તેમાંથી ૨૩ જ પ્રત્યક્ષ જોનારા સાક્ષી હોવાનો દાવો કરે છે.

કોર્ટે સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવાની પણ સૂચના આપી હતી. કેસની આગામી સુનાવણી ૮ નવેમ્બરે થવાની છે.

national news lucknow