Lakhimpur Kheri violence: સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી, જાણો વિગત

20 October, 2021 02:11 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવામાં વિલંબ બદલ યુપી સરકારને કડક ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આગલી રાતે એક વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા હતા.

સર્વોચ્ચ અદાલત

ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં યોજાઈ હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવામાં વિલંબ બદલ યુપી સરકારને કડક ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આગલી રાતે એક વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા હતા. અમને છેલ્લી ઘડીએ તમારો સ્ટેટસ રિપોર્ટ મળ્યો છે. જ્યારે છેલ્લી સુનાવણી દરમિયાન અમે તમને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમને ઓછામાં ઓછા એક દિવસ પહેલા સ્ટેટસ રિપોર્ટ મેળવવો જોઈએ. આના જવાબમાં યુપી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે અમે સ્ટેટસ રિપોર્ટ સીલ કવરમાં દાખલ કર્યો છે. તમે આ મામલાની સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી છે. જોકે, સુપ્રીમ કોર્ટે સુનાવણી સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ યુપી સરકારને પૂછ્યું કે તમે 44 લોકોની પૂછપરછ કરી છે, બાકીના કેમ નહીં? આ અંગે પ્રતિક્રિયા આપતા સાલ્વેએ જણાવ્યું હતું કે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. સાલ્વેએ કહ્યું કે બે ગુનાઓ છે. એક ગુનો ખેડૂતોની હત્યાનો અને બીજો લિંચિંગનો છે. પહેલા કેસમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે કેટલાક લોકો ન્યાયિક કસ્ટડીમાં અને કેટલાક પોલીસ કસ્ટડીમાં કેમ છે. પોલીસ કસ્ટડીમાં બધા કેમ નથી? આના પર, યુપી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને છ આરોપીઓ જે અગાઉ પોલીસ કસ્ટડીમાં હતા તે હવે ન્યાયિક કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 164 હેઠળના સાક્ષીઓ અને પીડિતોના નિવેદન વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે. સાક્ષીઓની સલામતીનું પણ ધ્યાન રાખવું જોઈએ.

બીજી તરફ, યુપી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ સ્ટેટસ રિપોર્ટ પર માહિતી આપતા કહ્યું કે આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે, તેમાં પુરાવા પણ મળી આવ્યા છે. અમને 70થી વધુ વીડિયો મળ્યા છે. સાલ્વેએ જણાવ્યું હતું કે, ક્રાઈમ સીન પણ ફરીથી બનાવવામાં આવ્યો હતો અને પીડિતો અને સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. દશેરાની રજા દરમિયાન કોર્ટ બંધ હતી ત્યારે નિવેદનો નોંધવામાં આવ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ કેસ 26 ઑક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો, કારણ કે ઉત્તર પ્રદેશ સરકારે અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવા માટે વધુ સમય માંગ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને 26 ઑક્ટોબર પહેલા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

national news supreme court uttar pradesh