16 November, 2025 08:00 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
લાલુ પ્રસાદ યાદવ અને દીકરી રોહિણી આચાર્ય
બિહારની ચૂંટણીમાં પરાજય બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિસ્ફોટ, દીકરી રોહિણી આચાર્યની ચોંકાવનારી ઘોષણા- હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દલ (RJD)ને મળેલા કારમા પરાજયથી પાર્ટીમાં ભૂકંપ સર્જાયો છે અને સાથે-સાથે પાર્ટીના સર્વેસર્વા લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં યાદવાસ્થળી જોવા મળી રહી છે. RJDની બેઠકોની સંખ્યા ઘટીને માત્ર ૨૫ થઈ હોવાથી પરિવારનો આંતરિક ઝઘડો બહાર આવી ગયો છે.
સોશ્યલ મીડિયા પર પોતાની વાતો મૂકવા માટે જાણીતી લાલુ યાદવની સિંગાપોરમાં રહેતી નાની પુત્રી રોહિણી આચાર્યએ એક વિસ્ફોટક પોસ્ટ દ્વારા પાર્ટી અને પરિવાર સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી દીધી છે. તેનું આ પગલું માત્ર RJDમાં જ નહીં પરંતુ સમગ્ર બિહારમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.
રોહિણી આચાર્યની મોટી જાહેરાત
રોહિણી આચાર્યએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે ‘હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું અને હું બધો દોષ મારા પર લઈ રહી છું.’
આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે લાલુ પરિવારના કોઈ સભ્યએ જાહેરમાં આવી વાત કહી હોય એવું આ પહેલી વાર છે.
પોસ્ટ એડિટ કરી
રોહિણી આચાર્યની જાહેરાતનું સૌથી રસપ્રદ પાસું એ છે કે તેણે પોતાના નિર્ણય માટે સીધા રાજ્યસભાના સંસદસભ્ય સંજય યાદવ અને રમીઝનું નામ લીધું હતું. દોષ પોતાના પર લઈને રોહિણી આચાર્યએ પરિવાર અને પાર્ટીના આંતરિક દબાણનો સંકેત આપ્યો હતો. અહેવાલો મુજબ તેની પોસ્ટને પછીથી એડિટ કરવામાં આવી હતી. શરૂઆતમાં ફક્ત રાજકારણ અને પરિવાર છોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સંજય યાદવ અને રમીઝનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. સંજય યાદવ તેજસ્વી યાદવનો સલાહકાર હોવાનું કહેવાય છે. તે રાજ્યસભાનો સંસદસભ્ય છે. રમીઝને તેજસ્વીની નજીકનો માણસ માનવામાં આવે છે.
પરાજય પછી પરિવારમાં મતભેદ વધ્યો
બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ પાર્ટીમાં મતભેદના અહેવાલો પહેલેથી જ સામે આવ્યા હતા. રોહિણી આચાર્યના આ પગલાથી ખબર પડે છે કે પાર્ટીની હારથી લાલુ યાદવ પરિવારમાં હાલના મતભેદ વધુ ઘેરા બન્યા છે. રાજકારણ અને પરિવાર સાથેના સંબંધો તોડવાનો રોહિણીનો નિર્ણય હાર માટે નેતૃત્વ અને જવાબદારી અંગે પાર્ટી અને પરિવારમાં મોટો સંઘર્ષ દર્શાવે છે.
રોહિણીનો લોકસભામાં પરાજય
રોહિણી આચાર્યએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વખતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણે RJDની પરંપરાગત સારણ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે BJPના રાજીવ પ્રતાપ રૂડીએ તેને હરાવી દીધી હતી.
તેજ પ્રતાપ પણ અલગ થયો છે
ચૂંટણી પહેલાં જ લાલુ પરિવારમાં અશાંતિ હતી. એક વિવાદ બાદ લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યો હતો. તેજ પ્રતાપ યાદવે RJDથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી હતી. તેજ પ્રતાપ યાદવે જણાવ્યું હતું કે તેમના પિતાની પાર્ટીને ઘણા જયચંદો દ્વારા હાઇજૅક કરવામાં આવી હતી.