30 April, 2025 02:42 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
લૉરેન્સ બિશ્નોઈ (ફાઈલ તસવીર)
જ્યારે આખા દેશમાં પહલગામ આતંકવાદી હુમલાને લઈને ગુસ્સો છે, ત્યારે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે બદલો લેવાની વાત કહી છે. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. આ હુમલાને લઈને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદનો ફોટો ક્રૉસ કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં ગૅન્ગે દાવો કર્યો છે કે પહલગામ હુમલામાં `નિર્દોષ લોકો`ની હત્યાનો જવાબ આપવા માટે તે પાકિસ્તાનમાં ઘુસીને `એક એવા માણસને મારશે, જે એક લાખ બરાબર હશે.`
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની ધમકી વાયરલ
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા, આ ધમકીભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. પહલગામ હુમલા અંગે આજે ભારતમાં સીસીએસની એક મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ રહી છે. આ બેઠકમાં પહલગામ હુમલાનો બદલો લેવા અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. એક તરફ, પહલગામ હુમલાને લઈને ભારતમાં સતત હંગામો ચાલી રહ્યો છે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ડર
`ગુપ્ત માહિતી`નો હવાલો આપતા, પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં તેની સામે લશ્કરી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ જણાવ્યું હતું કે ભારત સરકાર પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અંગેના "પાયાવિહોણા અને બનાવટી આરોપો"ના આધારે હુમલો કરવાની તૈયારી કરી રહી છે. મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને તેણે હંમેશા તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરી છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને એક કમિશન દ્વારા "વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર" તપાસની ઑફર કરી છે પરંતુ ભારત તપાસ ટાળી રહ્યું છે અને સંઘર્ષનો માર્ગ પસંદ કરી રહ્યું છે. પાકિસ્તાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સતર્ક રહેવું જોઈએ, ચેતવણી આપતાં કહ્યું કે ભારત દ્વારા કોઈપણ લશ્કરી સાહસનો "મક્કમ અને નિર્ણાયક રીતે જવાબ આપવામાં આવશે" અને "સંઘર્ષમાં કોઈપણ વધારો અને તેના પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે ભારતની રહેશે.
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ કેવી રીતે કામ કરે છે?
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ ભારતના ઘણા રાજ્યોમાં સતત સક્રિય છે. આ ગૅન્ગનો લીડર લૉરેન્સ બિશ્નોઇ હાલ ગુજરાતની જેલમાં બંધ છે. જોકે, તેના સાગરિતો સતત હત્યા અને ખંડણી જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે. સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબાર અને બાબા સિદ્દીકીની હત્યામાં આ ગૅન્ગનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત, પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પછી, આ ગૅન્ગ ખૂબ જ સમાચારમાં આવી. હવે આ ભયાનક ગૅન્ગ દ્વારા પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપવામાં આવી છે.