19 February, 2026 11:36 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
વૈષ્ણોદેવી
વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર સ્થાનિક લોકોએ રોપવે પ્રોજેક્ટના વિરોધમાં બુધવારે બંધ રાખવાનું નક્કી કર્યું હતું. એને કારણે ગઈ કાલે સ્થાનિક ઘોડાચાલકો, પિઠ્ઠુ સર્વિસ, પાલકી સંચાલકો અને તમામ નાના વેપારીઓએ ભાગ લીધો હતો. રોપવે બનશે તો તેમની આજીવિકા અને ઘોડા-પિઠ્ઠુ જેવા પારંપરિક વ્યવસાયો પર માઠી અસર થશે એનો વિરોધ કરવા માટે ગઈ કાલે સજ્જડ બંધનું પાલન થયું હતું. જોકે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે એ માટે હોટેલો અને ધર્મશાળાઓ ખુલ્લી હતી. કટરાના તારાકોટથી સાંજી છત સુધીના યાત્રામાર્ગમાં આવેલી દુકાનો અને ઘોડા, પાલખીસેવાનો બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. સંઘર્ષ સમિતિએ ચીમકી આપી હતી કે ‘રોપવે પ્રોજેક્ટને કારણે પ્રભાવિત થનારા લોકોનાં હિતો માટે નક્કર કદમ ઉઠાવવામાં આવે. જો પર્યાપ્ત પગલાં નહીં લેવાય તો આંદોલનને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે.’