પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ચૂંટણી પંચે પાઠવી નોટિસ

25 April, 2024 02:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા `મોડલ કૉડ ઑફ કન્ડક્ટ` (MCC)ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા `મોડલ કૉડ ઑફ કન્ડક્ટ` (MCC)ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો (Lok Sabha Election 2024)એ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કૉંગ્રેસને નોટિસ પાઠવીને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માગ્યો છે.

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા (Lok Sabha Election 2024) ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. આમાં તેમને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોના આચરણની જવાબદારી લેવી જોઈએ

ચૂંટણી પંચે (Lok Sabha Election 2024) કહ્યું છે કે, રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના આચરણ માટે પ્રાથમિક અને વધતી જવાબદારી લેવી પડશે. ચૂંટણી પંચનું કહેવું છે કે, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના પ્રચાર ભાષણોના વધુ ગંભીર પરિણામો આવે છે. તેમણે કહ્યું છે કે, સ્ટાર પ્રચારકોએ પોતે આપેલા ભાષણો માટે જવાબદાર બનવું પડશે. પરંતુ વિવાદાસ્પદ ભાષણોના કિસ્સામાં, ચૂંટણી પંચ દરેક મુદ્દા પર પક્ષના વડાઓ પાસેથી જવાબ માગશે.

પીએમના બાંસવાડાના નિવેદન પર નોટિસ મોકલવામાં આવી

વાસ્તવમાં, કૉંગ્રેસ પાર્ટીએ બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ફરિયાદ કરી હતી. રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, “કૉંગ્રેસ લોકોની સંપત્તિનો સર્વે કરીને તેને ઘૂસણખોરોમાં વહેંચવા જઈ રહી છે.” કૉંગ્રેસની ફરિયાદ પર કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ મોકલી છે. રાહુલના ભાષણને લઈને પંચે ભાજપને નોટિસ પણ મોકલી છે.

અમે ચૂંટણી પંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે એના પર ભરોસો રાખવો પડશે

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના મત અને વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ પર ૧૦૦ ટકા ક્રૉસ-ચેકિંગની માગણીના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુનાવણી બાદ એનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અમે ચૂંટણીપંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે આપણે ચૂંટણીપંચ પર જ ભરોસો રાખવો પડશે.

કોર્ટે સુનાવણી વખતે કહ્યું હતું કે ‘અમે શંકાના આધાર પર આદેશ ન આપી શકીએ, અમે કેટલાક નિશ્ચિત સ્પષ્ટીકરણ માગીએ છીએ. અમારા થોડા સવાલ હતા જેના જવાબ મળી ગયા છે. અમે ચુકાદો સુરક્ષિત રાખીએ છીએ.’

Lok Sabha Election 2024 bharatiya janata party congress election commission of india india national news