૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ બેઠકો પર સરેરાશ ૬૪.૬૪ ટકા મતદાન, ૨૦૧૯માં થયું હતું ૭૦.૦૫ ટકા મતદાન

27 April, 2024 11:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રિપુરા અને મણિપુરમાં ૭૫ ટકાથી વધારે મતદાન : ઉત્તર પ્રદેશ અને બિહારમાં સૌથી ઓછું ૫૩ ટકા જેટલું મતદાન

(ડાબેથી) નિર્મલા સીતારમણ, રાહુલ દ્રવિડ, વસુંધરા રાજે સિંધિયા

૧૮મી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગઈ કાલે ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ બેઠકો પર સરેરાશ ૬૪.૬૪ ટકા મતદાન થયું હતું. ૨૦૧૯માં આ બેઠકો પર સરેરાશ ૭૦.૦૫ ટકા મતદાન થયું હતું. ગઈ કાલે સૌથી વધારે મતદાન ત્રિપુરામાં ૭૭.૯૩ ટકા અને મણિપુરમાં ૭૬.૪૬ ટકા થયું હતું. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આશરે ૫૩ ટકાની આસપાસ સૌથી ઓછું મતદાન થયું હતું.

૨૦૧૯માં બીજા તબક્કાની ચૂંટણીમાં BJPએ સૌથી વધુ ૫૦ બેઠકો પર જીત મેળવી હતી. એના સહયોગી NDA પક્ષોએ ૮ બેઠકો પર જીત મેળવી હતી અને કૉન્ગ્રેસને ૨૧ બેઠકો મળી હતી. ૯ બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી.

૧૯ એપ્રિલે પહેલા તબક્કામાં ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું.

હવે પાંચ તબક્કાની ચૂંટણી બાકી છે અને ૪ જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

 છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં બૂથની ડ્યુટી વખતે એક પોલીસ-કર્મચારીએ ખુદને ગોળી મારી લીધી હતી. તે મધ્ય પ્રદેશનો રહેવાસી હતો.

ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ બીમાર હોવા છતાં હૉસ્પિટલથી મતદાન-કેન્દ્ર પહોંચ્યા

કર્ણાટક સહિતનાં ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં શુક્રવારે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. બૅન્ગલોરમાં સાઉથ લોકસભા સીટ માટે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિએ મતદાન કર્યું હતું. ૭૭ વર્ષના નારાયણ મૂર્તિ હૉસ્પિટલમાં દાખલ હોવા છતાં વોટ આપવા મતદાન-કેન્દ્ર ગયા હતા. સુધા મૂર્તિએ કહ્યું કે નારાયણ મૂર્તિની તબિયત સારી નહોતી અને તેઓ હૉસ્પિટલમાં હતા. તેમણે ડિસ્ચાર્જ થયા બાદ મતદાન કર્યું હતું. ઇન્ફોસિસના કો-ફાઉન્ડરની કર્ણાટકના ચીફ ઇલેક્ટોરલ ઑફિસરે પણ પ્રશંસા કરી હતી. નારાયણ મૂર્તિએ કહ્યું કે પાંચ વર્ષમાં એક વાર આપણને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરવાની તક મળે છે એટલે જ આ ખુશીનો દિવસ છે. બૅન્ગલોરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, ક્રિકેટ લેજન્ડ રાહુલ દ્રવિડ, અભિનેતા પ્રકાશ રાજે પણ મતદાન કર્યું હતું.

મતદાનની ટકાવારી

રાજ્ય    મતદાન (ટકામાં)
આસામ    ૭૦.૬૭
બિહાર     ૫૩.૬૦
છત્તીસગઢ    ૭૨.૫૧
જમ્મુ-કાશ્મીર     ૬૭.૨૨
કર્ણાટક    ૬૪.૩૭
કેરલા    ૬૪.૭૨
મધ્ય પ્રદેશ    ૫૫.૦૯
મહારાષ્ટ્ર    ૫૯.૬૩
મણિપુર    ૭૬.૪૬
રાજસ્થાન    ૫૯.૩૫
ત્રિપુરા     ૭૭.૯૩
ઉત્તર પ્રદેશ    ૫૨.૯૧
પશ્ચિમ બંગાળ    ૭૧.૮૪
સરેરાશ    ૬૪.૬૪

Lok Sabha Election 2024 Lok Sabha assam bihar chhattisgarh jammu and kashmir karnataka kerala madhya pradesh maharashtra manipur rajasthan tripura uttar pradesh west bengal