રેસ્ટોરાંમાં બિલમાં LPGનો ચાર્જ ન લગાડે એ જોજો

27 March, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો કોઈ વધારાનો ચાર્જ વસૂલે તો ગ્રાહકો ફરિયાદ કરી શકે અને સરકાર એના પર કાર્યવાહી કરશે : ગૅસની ક્રાઇસિસ કે વધારાના ફ્યુઅલનો ખર્ચ રેસ્ટોરાંએ પોતાના મેનુમાં જણાવેલી રકમમાં આવરી લેવો પડશે

બિલ

હોટેલ-રેસ્ટોરાં ગ્રાહકો પાસેથી LPGનો ચાર્જ નહીં લઈ શકે. કેન્દ્ર સરકારે રેસ્ટોરાંઓને નિર્દેશ કર્યો છે કે તેઓ બિલમાં ખાવાની કિંમતની સાથે માત્ર સરકારી ટૅક્સ જ જોડી શકશે. LPGના સંકટને કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ કહ્યું હતું કે ‘નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર નોંધાયેલી ફરિયાદો અમારા ધ્યાનમાં આવી છે. રેસ્ટોરાંઓ ફ્યુઅલ ચાર્જ કે ગૅસ-ક્રાઇસિસ ચાર્જ એમ અલગ-અલગ નામે બિલમાં જ પાંચ ટકા જેટલો ચાર્જ જોડી નાખે છે જે ગેરકાનૂની છે. હોટેલ અને રેસ્ટોરાંએ ટૅક્સ સિવાયનો ખર્ચ મેનુમાં આપેલી રકમમાં પોતાની ઇનપુટ કૉસ્ટ તરીકે સામેલ કરવો પડશે. જો કોઈ રેસ્ટોરાં ગૅસની કિંમતોનો વધારો થયો હોવાથી ઑપરેશનલ ખર્ચ વધ્યાનો દાખલો આપીને બિલમાં અલગથી ચાર્જ લગાવે તો એ નિયમોનું ઉલ્લંઘન છે.’ 
CCPAએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટેલ અને રેસ્ટોરાં સર્વિસ-ચાર્જ અલગથી લેવા પર મુકાયેલા પ્રતિબંધને બાયપાસ કરીને નવાં નામોથી ચાર્જ લે છે એનાથી ગ્રાહકોના અધિકારોનું હનન થાય છે.

બિલમાં આવો ચાર્જ દેખાય તો શું કરવું?

CCPAએ કહ્યું છે કે જો કોઈ રેસ્ટોરાંના બિલમાં LPG ચાર્જ કે ફ્યુઅલ ચાર્જ કે અન્ય કોઈ એક્સ્ટ્રા ફી જોડેલી દેખાય તો તમે રેસ્ટોરાંના મૅનેજમેન્ટને એ હટાવવાનું કહી શકો છો અને જો તેઓ એ રકમ હટાવવાની ના પાડી દે તો ગ્રાહક તરીકે તમે ૪ રીતે ફરિયાદ કરી શકો છો. 
૧. નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) ૧૯૧૫ પર કૉલ કરીને ફરિયાદ કરવી. 
૨. નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH)ની ઍપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય. 
૩. e-jagriti પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી શકાય. 
૪. જિલ્લા-કલેક્ટર અથવા તો CCPAને ફરિયાદ કરી શકાય. 

national news india indian government lpg crisis lpg cylinder hotel and restaurant indian hotel & restaurant association