23 January, 2026 11:18 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અત્યાર સુધીમાં ડમ્પયાર્ડમાં ૧૮.૫ લાખ ટન કચરો સંઘરાયેલો હતો એમાંથી ૬૯ ટકા કચરો એટલે કે લગભગ ૧૨.૮૬ લાખ ટન રીસાઇકલ થઈ ચૂક્યો છે
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉએ દેશમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. આ ઉત્તર પ્રદેશનું એવું પહેલું શહેર બન્યું છે જ્યાં તાજા કચરાનું ડમ્પિંગ શૂન્ય થઈ ગયું છે. શહેરમાં લગભગ ૨૦૦૦ ટન કચરો પેદા થાય છે. આ કચરો પહેલાં ખુલ્લા ડમ્પયાર્ડમાં ફેંકવામાં આવતો હતો. જોકે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લખનઉ નગરપાલિકાએ ઠોસ અને તાજા કચરાનો ૧૦૦ ટકા વૈજ્ઞાનિક નિકાલ કરવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. આ કચરો સંપૂર્ણપણે પ્રોસેસ કરવામાં આવે છે. શિવારી વેસ્ટ મૅનેજમેન્ટ અંતર્ગત નવું ૭૦૦ ટનની ક્ષમતાનું યુનિટ શરૂ થયું છે. આ પહેલાં બે કેન્દ્રો ઑલરેડી છે. આ ત્રણેયની સંયુક્ત ક્ષમતા ૨૧૦૦ ટન કચરો પ્રોસેસ કરવાની થઈ ગઈ છે. હવે શહેરમાં ક્યાંય રોજનો નવો નીકળતો કચરો ડમ્પ નહીં કરવામાં આવે.
લખનઉ નગરપાલિકાએ ઘરે-ઘરે કચરો કલેક્ટ કરવાની વ્યવસ્થાને પણ ૯૬.૫૩ ટકા સુધી કડક નિયમો હેઠળ મજબૂત કરી દીધી છે અને સોસાયટીઓના સ્તરે જ સૂકો અને ભીનો કચરો અલગ કરવાનું કામ ૭૦ ટકા જગ્યાએ થઈ રહ્યું છે. જૈવિક કચરામાંથી ગુણવત્તાયુક્ત ખાતર અને બાયોગૅસનું ઉત્પાદન થાય છે, જ્યારે પ્લાસ્ટિક કાગળ અને ધાતુના સૂકા કચરાને રીસાઇકલ યુનિટોમાં મોકલવામાં આવે છે જેમાંથી તૈયાર થતું રીફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુઅલ સિમેન્ટ અને કાગળનાં કારખાનાંઓમાં ઊર્જા તરીકે વપરાય છે.
જૂનો ૧૮.૫ લાખ ટન કચરો હતો એનું શું?
અત્યાર સુધીમાં ડમ્પયાર્ડમાં ૧૮.૫ લાખ ટન કચરો સંઘરાયેલો હતો એમાંથી ૬૯ ટકા કચરો એટલે કે લગભગ ૧૨.૮૬ લાખ ટન રીસાઇકલ થઈ ચૂક્યો છે. લખનઉના શિવરીમાં આવેલી ૨૫ એકરની જગ્યા પૂરી રીતે સાફસુથરી થઈ ગઈ છે. અહીં નવી સુવિધાઓ તરીકે પાર્ક અને રમતગમતનું મેદાન બનશે.