લખનઉ ઍરપોર્ટ પર મોટી વિમાન-દુર્ઘટના ટળી

15 September, 2025 09:10 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ટેક-ઑફ પછી વિમાન ન ઊડતાં સંસદસભ્ય ડિમ્પલ યાદવ સહિત ૧૫૧ મુસાફરોના જીવ અધ્ધર થયા

ડિમ્પલ યાદવ

લખનઉના ચૌધરી ચરણ સિંહ ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટને ટેક્નિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ટેક-ઑફ થતાં પહેલાં જ ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનાં પત્ની અને લોકસભાનાં સંસદભ્ય ડિમ્પલ યાદવ સહિત ૧૫૧ મુસાફરો હતા.

ફ્લાઇટ-નંબર 6E-2111 સવારે ૧૧ વાગ્યે ટેક-ઑફ માટે રનવે પર પહોંચી હતી. ફ્લાઇટે ગતિ પકડતાં જ અસામાન્ય અવાજ સંભળાયો હતો અને ફ્લાઇટને પૂરતો ધક્કો લાગ્યો નહીં, જેને કારણે એને હવામાં ઊંચકી શકાઈ નહીં. આ વિશે પાઇલટે તાત્કાલિક ઍર ટ્રાફિક કન્ટ્રોલને ટેક-ઑફ રદ કરવાની જાણ કરી હતી અને ઇમર્જન્સી બ્રેક લગાવીને ફ્લાઇટ રોકી દીધી હતી. સલામતીને ધ્યાનમાં રાખીને બધા મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને બાદમાં બીજી ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. બધા મુસાફરોના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે ભગવાને અમને બચાવ્યા, નહીંતર મોટી દુર્ઘટના થઈ હોત.

national news india lucknow indigo samajwadi party