PM મોદીના જન્મદિવસે થશે આ કાર્યક્રમોનું આયોજન, જાણો વિગતે

16 September, 2025 09:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતીકાલે 17 સપ્ટમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે. ત્યારે તેમના માનમાં દેશમાં ઠેકઠેકાણે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જાણો તે વિશે કેટલીક વિગતો...

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

જાણીતા લેખક, ગીતકાર, કવિ અને વાર્તાકાર મનોજ મુન્તાશીર શુક્લા અને નિર્માતા નીલમ મુન્તાશીર `મેરા દેશ પહેલે—ધ લાઈવ મ્યુઝિકલ સાગા` રજૂ કરવા માટે તૈયાર છે, જે તેમની સ્ટાઈલનું પહેલું સ્ટેજ પ્રોડક્શન છે જે સંગીત, કવિતા અને પરફોર્મન્સને જોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અસામાન્ય યાત્રાનું વર્ણન કરે છે.

`મારી કલમ હંમેશા મારી ભૂમિને સમર્પિત રહી છે. મેરા દેશ પહેલે આ કાર્યક્રમની સાથે હું ફક્ત એક શો નહીં પણ એક ભાવના દર્શાવવા માગું છું. આ દેશના પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક એવા નરેન્દ્ર મોદીના જીવન અને તેમની જીવન યાત્રા દ્વારા ભારત દેશની ઉજવણી કરવા માગું છું.`- મનોજ મુન્તાશીર શુક્લા

આ લાઈવ મ્યૂઝિકલ સાગામાં મનોજ મુન્તાશીર, બી પ્રાક, સ્નેહા શંકર, ઋષિ સિંહ, આશિષ કુલકર્ણી, ઉજ્જવલ ગજભાર અને અન્ય પ્રખ્યાત ઇન્ડિયન આઇડલ ગાયકો, સંગીતકારો અને કલાકારો જેવા જાણીતા ગાયકો, શબ્દ-લય અને દ્રશ્યોને દેશભક્તિના ભાવમાં વણી લેશે. આ મ્યૂઝિકલ સાગાનો પ્રવાસ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હીથી શરૂ થશે, ત્યારબાદ મુંબઈ, પટના, વારાણસી, હૈદરાબાદ, કોલકાતા અને અન્ય ભારતીય શહેરોમાં શો થશે.

આ નિર્માણ સાથે, મનોજ મુન્તાશીર શુક્લા ગીતોથી આગળ વધીને સાંસ્કૃતિક ક્યુરેટર બનશે, જે ભારતના સમકાલીન ઇતિહાસને સંગીતમય કથા તરીકે સ્ટેજ પર રજૂ કરશે. મનોજે છ અલગ અલગ શહેરોમાં શોની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે જે પોસ્ટ તમે અહીં જોઈ શકો છો.

મનોજ મુન્તાશીર શુક્લા વિશે
મનોજ મુન્તાશીર શુક્લા ભારતના સૌથી જાણીતા લેખકો, ગીતકારો અને કવિઓમાંના એક છે, જેમણે તેરી મિટ્ટી, ગલિયાં અને કૌન તુઝે જેવા ખૂબ જ વખણાયેલા ગીતો લખવા માટે જાણીતા છે. તેમની કલાત્મકતા ઘણીવાર મનોરંજન અને દેશભક્તિને એક સાથે જોડવાનું કામ કરે છે, અને મેરા દેશ પહેલે દ્વારા તેઓ આ દ્રષ્ટિકોણને સ્ટેજ પર લઈ જાય છે - પ્રેક્ષકોને કવિતા, સંગીત અને રાષ્ટ્રીય ગૌરવનું એક અનોખું મિશ્રણ બતાવવા જઈ રહ્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત પર એક નજર જ્યાંથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો

આવતીકાલે 17 સપ્ટમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે. 

છેલ્લા 22 વર્ષોમાં, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે તેની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે અને અત્યારે તે વિશ્વના પ્રભાવશાળી આર્થિક મંચોની યાદીમાં સામેલ થઇ છે. ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની વ્યાપક અસર થઇ છે:

ઉત્પાદનમાં ઉછાળો: 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બન્યું.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ: રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઊર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે, ગુજરાત ઊર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.

ટેક્સટાઇલ અને અપેરેલ: સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા.

ફાર્માસ્યુટિકલ્સ: ગુજરાત હવે ભારતના ફાર્મા ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, ઝાયડસ અને ટોરેન્ટ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે.

ટેકનોલોજી અને નવીનતા : તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના લીધે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાળમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ. 

રોજગાર સર્જન: સમાવેશી વિકાસનો આધારસ્તંભ
વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્વિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખ્યો છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. વડાપ્રધાને તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ 
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. 

ભવિષ્ય તરફ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.

narendra modi gujarat news gujarat mumbai news mumbai happy birthday social media instagram