01 December, 2025 08:31 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં તમામ સમૂહ વિવાહિત જોડા સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અને તેમનાં પુત્ર અને પુત્રવધૂ, વરકન્યાએ લક્ઝરી વાહનને બદલે બળદગાડામાં બેસીને સંગીતસંધ્યામાં પ્રવેશ કર્યો હતો.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવે ગઈ કાલે ઉજ્જૈનના સાંવારા ખેડીમાં સમૂહ વિવાહમાં ડૉ. ઇશિતા યાદવ સાથે ૨૧ અન્ય યુગલોની સાથે એકદમ સાદાઈથી લગ્ન કર્યાં હતાં. લગ્નના એક દિવસ પહેલાં શનિવારે આ દંપતીએ સાદી રીતે એન્ગેજમેન્ટ કર્યા હતા. લક્ઝરી કાર અને બૅન્ડવાજાના ભવ્ય કાર્યક્રમોથી વિપરીત તેમણે બળદગાડામાં બેસીને ઢોલ અને શરણાઈના સૂરો વચ્ચે સંગીતસંધ્યાના સ્થળે પ્રવેશ કર્યો હતો અને એકબીજાને વીંટી પહેરાવી હતી. અભિમન્યુ અને ઇશિતા બન્નેએ સમારોહ માટે સાદો પોશાક પહેર્યો હતો.
યોગગુરુ બાબા રામદેવ, બાગેશ્વરધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય અનેક દિગ્ગજોએ આ લગ્નમાં હાજરી આપી હતી.
મોહન યાદવે લગ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લગ્ન સાદગીપૂર્ણ હોવાં જોઈએ. આ દંપતી પણ અન્ય દંપતીઓ સાથે લગ્ન કરી રહ્યું છે.’
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘અમારી પદયાત્રા દરમ્યાન અમે ‘જાતિવાદને વિદાય આપો’ સૂત્ર આપ્યું હતું અને આજે એક જ છત નીચે દરેક જાતિ અને ધર્મનાં દંપતીઓ લગ્ન કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાનનું આ ખૂબ જ પ્રશંસનીય પગલું છે, જ્યાં એક તરફ એક ડ્રાઇવર લગ્ન કરી રહ્યો છે અને બીજી તરફ રાજ્યને ‘ડ્રાઇવ’ કરનારના પુત્રનાં પણ લગ્ન થઈ રહ્યાં છે.’