23 November, 2026 10:30 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
બાલાઘાટની જિલ્લા હૉસ્પિટલમાં બાળદરદીઓની લાઇન લાગી ગઈ હતી.
મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હિરી ગામમાં મેળા દરમ્યાન ચાઇનીઝ ડિશ ચાઉમીન ખાધા બાદ ૧૦૦થી વધુ બાળકોને ફૂડ- પૉઇઝનિંગ થયું હતું અને તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં બાળકોને કિરણાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતાં અને પ્રાથમિક સારવાર બાદ કેટલાંક બાળકોને જિલ્લા હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. સારવાર લઈ રહેલાં તમામ બાળકોની હાલત સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે.
શનિવારે સાંજે હિરીમાં સ્થાનિક મેળામાં આ ઘટના બની હતી. ફૂડ-સ્ટૉલ પરથી નૂડલ્સ ખાધાના થોડા સમય બાદ તેમને પેટમાં તીવ્ર દુખાવો, ઊલટી અને ઝાડા થવાની ફરિયાદ થવા લાગી હતી.
આ મુદ્દે બાલાઘાટના કલેક્ટર આદિત્ય સિંહના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ૧૧૮ બાળકોને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પ્રાથમિક સારવાર પછી ૪૫ બાળકોને વધુ સારવાર માટે બાલાઘાટ જિલ્લા હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીનાં ૭૩ બાળકોને રજા આપવામાં આવી હતી. બાર પુખ્ત વયના લોકોને પણ જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.