21 February, 2025 06:59 AM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય મિડ-ડે)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં સ્નાન કરવાનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. મહાકુંભમાં કેટલીક દુર્ઘટનાઓ પણ બની હતી, જોકે હાલમાં એક એવી ઘૃણાસ્પદ ઘટનાનો ખુલાસો થયો છે, કે દરેક લોકોમાં મોટો આક્રોશ ફેલાયો છે. મહાકુંભમાં સ્નાન કરતી તેમ જ કપડાં બદલતી વખતના યુવતીઓ અને મહિલાઓના વીડિયો હવે ઑનલાઇન વેચાઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પવિત્ર સંગમમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા પોસ્ટ કરવા અને વેચવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસે બે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ દાખલ કર્યા છે.
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભમાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના ફોટા ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર અને વેચવામાં આવી રહ્યા છે. બુધવારે, યુપી પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ પોલીસ વડા પ્રશાંત કુમારના નિર્દેશો બાદ તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે. ધાર્મિક ઉત્સવ સંબંધિત સોશિયલ મીડિયા પર અપમાનજનક અને ભ્રામક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યુપી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમે શોધી કાઢ્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહાકુંભમાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના વીડિયો અપલોડ કરી રહ્યા હતા, જે સ્પષ્ટપણે તેમની ગરિમા અને ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. આ શોધ બાદ, પોલીસે કોતવાલી કુંભ મેળા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
મહાકુંભ સ્નાન ગોપનીયતા ઉલ્લંઘન બદલ પોલીસે ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની META સામે કાર્યવાહી કરી. ૧૭ ફેબ્રુઆરીના રોજ, પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ સામે મહિલા યાત્રાળુઓના અયોગ્ય વીડિયો પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટા પાસેથી પણ મદદ અને માહિતી માંગી છે, જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સઍપ જેવા ટોચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંભાળે છે.
પોલીસે મેટાને એકાઉન્ટ ઓપરેટરની ઓળખ કરવા કહ્યું છે. મેટા માહિતી જાહેર કરે પછી આરોપીની ધરપકડ કરવામાં આવશે. મહિલાઓના આવા વીડિયો વેચાણ માટે ઑફર કરતી ટેલિગ્રામ ચૅનલ પણ કાર્યવાહી દરમિયાન મળી આવી હતી. ૧૯ ફેબ્રુઆરીએ ચૅનલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે, એમ નિવેદનમાં જણાવાયું છે. પોલીસે મહાકુંભ વિશે વાંધાજનક કન્ટેન્ટ અથવા ખોટી માહિતી ફેલાવવા બદલ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. દર ૧૪૪ વર્ષે એકવાર યોજાતો મહાકુંભ ૧૩ જાન્યુઆરીથી શરૂ થયો હતો અને ૨૬ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. પ્રયાગરાજમાં પવિત્ર તહેવારમાં વિદેશના લોકો સહિત લાખો યાત્રાળુઓ ભેગા થયા છે.