06 November, 2026 10:51 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર સ્થિત આર્મી સર્વિસ કૉર્ઝ (ASC)ના ‘ટૉર્નેડોઝ’ના સભ્ય મેજર અમ્રિત પાન્ડા
બૅન્ગલોર સ્થિત આર્મી સર્વિસ કૉર્ઝ (ASC)ના ‘ટૉર્નેડોઝ’ના સભ્ય મેજર અમ્રિત પાન્ડાએ મૉટરસાઇકલની સીટ પર ઊભા રહીને સૌથી લાંબી રાઇડનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગઈ કાલે યોજાયેલા આ સાહસિક પ્રદર્શનમાં તેમણે અદ્ભુત સંતુલન અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
ASCનું ‘ટૉર્નેડોઝ’ યુનિટ ભારતીય સેનાની એક અત્યંત પ્રખ્યાત અને સાહસિક મોટરસાઇકલ ડેમોન્સ્ટ્રેશન ટીમ છે. આ ટીમ પોતાના અદ્ભુત અને જોખમી સ્ટન્ટ્સ માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે. આ ટીમ સેનાના જવાનોમાં શિસ્ત, સાહસ, ઉત્તમ સંતુલન અને ટીમ-વર્કની ભાવનાને ઉજાગર કરે છે.
અગાઉનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ‘ટૉર્નેડોઝ’ ટીમના જ કૅપ્ટન અભિજિત સિંહ ગ્રેવાલના નામે છે. તેમણે ૨૦૨૨ની ૪ ડિસેમ્બરે મોટરસાઇકલની સીટ પર સાડાત્રણ કલાક ઊભા રહીને ૧૧૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ગઈ કાલે આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધીમાં મેજલ અમ્રિત પાન્ડા સતત કેટલા કલાક બાઇક પર ઊભા રહીને ચલાવવામાં સફળ થયા હતા એ જાણવા નહોતું મળ્યું.