16 August, 2026 07:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારતના ૮૦માં સ્વતંત્રતાદિવસે લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યા બાદ કરેલા રાષ્ટ્રજોગ સંદેશમાં એક કરોડ યુવાનોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઑનલાઇન કોચિંગ સહિતની અનેક જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે એક કરોડ યુવાનોને AI સ્કિલિંગ કોર્સમાં તાલીમ આપવામાં આવશે અને વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મફત ઑનલાઇન કોચિંગ આપવામાં આવશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગામડાંઓ અને શહેરોમાં પાંચથી ૧૫ વર્ષની વયનાં બાળકોને ઓળખવા અને ઉછેરવા માટે રાષ્ટ્રવ્યાપી રમતગમત ટૅલન્ટ સર્ચ શરૂ કરવામાં આવશે.
જેન-ઝીનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને વિકસિત ભારતનું લક્ષ્ય દેશના યુવાનો સાથે જોડાયેલું હોવું જોઈએ એમ જણાવીને ઉમેર્યું હતું કે ‘હું જ્યારે વિકસિત ભારતની વાત કરું છું, હું જ્યારે રાષ્ટ્રને ઝડપી ગતિએ આગળ ધપાવવાની વાત કરું છું ત્યારે આ દૃષ્ટિકોણનો સૌથી મોટો લાભાર્થી અને સૌથી મોટો સમર્થક મારા દેશના યુવાનો છે. મારા રાષ્ટ્રની યુવા ઊર્જા આ કામ કરી શકશે. તેથી આપણે વિકસિત ભારતના લક્ષ્યને આપણા યુવાનો સાથે જોડીને આગળ વધારવું જોઈએ.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે. તેમણે કહ્યું હતું કે ‘આખો દેશ એક નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભારતે પણ મોટાં સપનાં જોયાં છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. જ્યારે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ લે છે ત્યારે એ આપણી હિંમતનો પરિચય બને છે અને દુનિયા આપણને એક અલગ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર થાય છે.’
તેમના સ્વતંત્રતાદિવસના સંબોધનમાં વડા પ્રધાને નાગરિકોને વિકિસિત ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરવા જણાવ્યું હતું. વડા પ્રધાને નાગરિકોને મોટાં સપનાં જોવાની અને એ સપનાંઓને સાકાર કરવા માટે કામ કરવાની વિનંતી કરી હતી.