પશ્ચિમ બંગાળમાં ૩૭ વર્ષથી ગુમ થયેલી વ્યક્તિ SIR પ્રક્રિયાના કારણે મળી આવી

24 November, 2025 09:22 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

વિવેકના દીકરાએ પ્રદીપ ચક્રવર્તીને ફક્ત માહિતી માટે SIR દસ્તાવેજમાંથી એક નંબરનો ઉપયોગ કરીને ફોન કર્યો હતો પરંતુ વાતચીત ધીમે-ધીમે ગંભીર વળાંક લેતી ગઈ.

વિવેક ચક્રવર્તી

મતદારયાદીઓમાં સુધારો અને અપડેટ કરવાના હેતુથી હાલમાં દેશભરમાં મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ૩૭ વર્ષ પહેલાં ગુમ થયેલો માણસ મળી આવ્યો છે. ૧૯૮૮માં વિવેક ચક્રવર્તી ગુમ થઈ ગયો હતો અને પરિવારે તેને શોધવાના પ્રયાસો કર્યા બાદ તેને ગુમ થયેલો જ માન્યો હતો પણ SIRના એક ફૉર્મ પર પ્રકાશિત નંબરના કારણે વિવેક ચક્રવર્તી તેના પરિવારને મળી આવ્યો હતો. આમ આ પ્રક્રિયાએ વર્ષોના દુઃખને આનંદમાં ફેરવી દીધું હતું.

ફૉર્મમાં હતો નંબર
પુરુલિયાના એક પરિવાર માટે SIRના ફૉર્મે અજાયબીનું કામ કર્યું હતું. ફૉર્મ પર બૂથ લેવલ ઑફિસર (BLO) પ્રદીપ ચક્રવર્તીનું નામ અને ફોન-નંબર છાપવામાં આવ્યાં હતાં. આ માહિતીનો ઉપયોગ કરીને વિવેક ચક્રવર્તીના પુત્રએ તેમનો સંપર્ક કર્યો. એક સરળ સરકારી ફૉર્મે ૩૭ વર્ષથી અલગ થયેલા પરિવાર વચ્ચે ભાવનાત્મક બંધન બનાવ્યું, એક એવું બંધન જેની કોઈએ અપેક્ષા રાખી નહોતી.

એક ફોનકૉલે જીવન બદલી નાખ્યું
વિવેકના દીકરાએ પ્રદીપ ચક્રવર્તીને ફક્ત માહિતી માટે SIR દસ્તાવેજમાંથી એક નંબરનો ઉપયોગ કરીને ફોન કર્યો હતો પરંતુ વાતચીત ધીમે-ધીમે ગંભીર વળાંક લેતી ગઈ. જ્યારે કૉલ પર શૅર કરેલી વિગતો પરિવારના વ્યક્તિગત ઇતિહાસ સાથે મેળ ખાતી થઈ ત્યારે પ્રદીપને શંકા ગઈ કે આ માણસ તેના ગુમ થયેલા ભાઈનો પુત્ર હોઈ શકે છે. આ ફોનકૉલ ફક્ત માહિતી માટે નહોતો, એ પરિવારના ભાગ્યમાં એક વળાંક સાબિત થયો હતો.

ગુમ દીકરો મળી આવ્યો
ચક્રવર્તી પરિવારને મોટો દીકરો મળી ગયો હતો. ભાવુક વિવેકે જણાવ્યું હતું કે ‘આ ભાવનાને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ૩૭ વર્ષના લાંબા સમયગાળા બાદ હું પરિવારમાં પાછો ફરી રહ્યો છું. મેં બધા લોકો સાથે વાતચીત કરી છે. આ માટે હું ચૂંટણી પંચનો આભાર માનું છું.’

national news india indian government west bengal election commission of india