કાનપુરમાં કિશોરીને શ્રદ્ધાની જેમ ટુકડા કરવાની ધમકી છતાં પોલીસ નિષ્ક્રિય રહી

29 November, 2022 10:51 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

આખરે સિનિયર પોલીસ અધિકારીઓને અપીલ કરાતાં હિન્દુ કિશોરીને મારી નાખવાની ધમકી આપનાર મોહમ્મદ ફૈઝની ધરપકડ કરવા પોલીસ ગઈ તો તેમના પર હુમલો થયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કાનપુર : દિલ્હીના શ્રદ્ધા વાલકર મર્ડરકેસમાં હજી ન્યાય મળ્યો નથી ત્યાં જ કાનપુરમાં એ કેસની જેમ જ એક યુવકે એક સગીર છોકરીના ટુકડેટુકડા કરવાની ધમકી આપી છે. મોહમ્મદ ફૈઝ નામનો યુવક એક હિન્દુ કિશોરી પર મૅરેજ કરવા દબાણ કરી રહ્યો હતો. આ કિશોરીએ તેની સાથે મૅરેજ કરવાની ચોખ્ખી ના પાડી તો તેના શ્રદ્ધા હત્યાકાંડની જેમ અનેક ટુકડા કરીને ફેંકી દેવાની ધમકી આપી હતી.

ચોંકાવનારી વાત એ છે કે શનિવારે મોડી સાંજે પોલીસે મોહમ્મદ ફૈઝના ઘરને ઘેરી લીધું તો તેના પરિવારજનો સ્ટિકથી પોલીસની સાથે લડાઈ કરવા લાગ્યા. તેઓ મોહમ્મદ ફૈઝને ધરપકડથી બચાવવા પ્રયાસ કરતા હતા. જોકે પોલીસે સંયમથી કામ લીધું. થોડી વારમાં ચાર પોલીસ સ્ટેશનથી ફૉર્સ ત્યાં પહોંચી ગઈ. મોટી સંખ્યામાં પોલીસને જોઈને આ પરિવાર થોડો ઝૂક્યો હતો.

આ કિશોરીના પરિવારજનો અનુસાર આરોપી મોહમ્મદ ફૈઝ તેમની ૧૭ વર્ષની છોકરીની સ્કૂલ જતા સમયે છેડતી કરતો હતો. પહેલાં આ કિશોરીના પરિવારજનોએ ફૈઝને સમજાવવાની કોશિશ કરી હતી. જોકે, એ પછી પણ તેણે આ કિશોરીને પરેશાન કરવાનું બંધ ન કર્યું તો પરિવારે ફૈઝની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.


થોડા સમય પછી ફૈઝ આ કિશોરીના ઘરે આવ્યો અને મૅરેજ કરવા તેના પર પ્રેશર કરવા લાગ્યો હતો. સાથે જ ધમકી પણ આપી હતી. આ કિશોરીના પરિવારનો આરોપ છે કે પહેલાં તો તેઓ પોલીસની પાસે ગયા હતા ત્યારે કોઈ ઍક્શન નહોતી લીધી. જોકે સિનિયર અધિકારીઓને અપીલ કર્યા બાદ જ એના વિશે ફરિયાદ નોંધાઈ હતી. આખરે નૌબસ્તા પોલીસે આરોપી ફૈઝની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો સાથે જ ફૈઝના ઘરે દરોડો પણ પાડવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે નૌબસ્તા એસપી અભિષેક કુમાર પાંડેએ કહ્યું હતું કે ‘મોહમ્મદ ફૈઝની વિરુદ્ધ પૉસ્કો ઍક્ટ હેઠળ છેડતીનો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દાખલ થયા બાદ પણ આરોપી કિશોરીને સતત મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.’

national news kanpur jihad