01 March, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેનકા ગુરુસ્વામી
મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસે ૧૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીને એના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યાં છે. જો તેઓ ચૂંટાઈ આવે તો મેનકા ગુરુસ્વામી દેશનાં પ્રથમ LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ઍન્ડ ક્વીઅર/ક્વેશ્ચનિંગ) સંસદસભ્ય તરીકે ઇતિહાસ રચશે.
મમતા બૅનરજીની આગેવાની હેઠળની પાર્ટીએ વિધાનસભ્ય અને મિનિસ્ટર બાબુલ સુપ્રિયો, ટૉલીવુડ અભિનેતા કોયલ મલિક અને તાજેતરમાં નિવૃત્ત થયેલા પશ્ચિમ બંગાળના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) રાજીવકુમારને પણ નામાંકિત કર્યાં છે.
મેનકા ગુરુસ્વામી એક બંધારણીય વકીલ છે અને નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ છે, જેમાં તેઓ ૧૯૯૨માં જોડાયાં હતાં. તેમણે ૧૯૯૭માં ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અશોક દેસાઈના નેતૃત્વ હેઠળ તેમની કાનૂની કારકિર્દીની શરૂઆત કરી હતી. મેનકા ગુરુસ્વામીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં મુખ્યત્વે મુકદ્દમા અને બંધારણીય બાબતો પર કામ કર્યું હતું. ભારતમાં મેનકા ગુરુસ્વામી ઇન્ડિયન પીનલ કોડની કલમ 377ને પડકારતી કાનૂની ટીમનો ભાગ હતાં.