05 November, 2025 11:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિવિધ અકસ્માતોની તસવીરો
હજી સોમવારે બપોરે જ રાજસ્થાનમાં બે રોડ-અકસ્માતો અને તેલંગણમાં બસ અને ટ્રકની ટક્કરને કારણે કુલ ૪૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે સોમવારે મધરાત અને મંગળવાર બપોર સુધીમાં બીજા ૩ ભીષણ રોડ-અકસ્માતો થયા હતા. આ ઍક્સિડન્ટ્સ ૯ લોકો માટે જીવલેણ નીવડ્યા હતા. છેલ્લા થોડા દિવસથી દેશભરમાં ઠેર-ઠેર બસમાં આગ લાગવાથી લઈને અથડામણના સમાચાર જાણે બંધ થઈ જ નથી રહ્યા.
રાજૌરીમાં બસ પલટી ખાઈ ગઈ, ૨૮ લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈ કાલે એક મિની બસ હાઇવે પર પલટી ખાઈ ગઈ હતી. અચાનક જ ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. એમાં સવાર સ્કૂલના ૨૬ વિદ્યાર્થીઓ સહિત ૨૮ લોકો ઘાયલ થયા હતા. બે સ્ટુડન્ટ્સની હાલત ગંભીર છે.
બારાબંકીમાં કાર-ટ્રકની ભીડંતમાં ૬નાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે મોડી રાતે દાદનપુર ગામ પાસે એક કાર ટ્રક સાથે અથડાતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. કારમાં કુલ ૮ મુસાફરો હતા. એમાંથી ૬ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને બે લોકો અત્યંત ગંભીર હાલતમાં છે.
ઇન્દોર પાસે ભેરુઘાટમાં બસ ખાઈમાં પડી : ૩નાં મોત, ૩૦ ઘાયલ
મધ્ય પ્રદેશમાં સોમવારે રાતે ઇન્દોર જિલ્લામાં ભેરુઘાટ પાસે ઓમકારેશ્વરથી ઇન્દોર જઈ રહેલી એક બસની એક કાર સાથે ટક્કર થઈ હતી. અથડામણ પછી બન્ને વાહનો ખાઈમાં પડ્યાં હતાં. આ હાદસામાં ૩ યાત્રિકોનાં મૃત્યુ થયાં હતાં અને ૩૦ લોકો ઘાયલ થયા હતા. એમાંથી ૧૨ લોકોની હાલત ગંભીર છે.
ફિલિપીન્સમાં કાલમેગી વાવાઝોડાએ ચોમેર મચાવી તબાહી, બેનાં મૃત્યુ
સોમવારે મધરાતે કાલમેગી વાવાઝોડું ફિલિપીન્સ પરથી પસાર થયું હતું. એ વખતે ૧૯૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઘરોનાં છાપરાં અને ગાડીઓ પત્તાંના મહેલની જેમ ઊડીને બીજે ફેંકાયાં હતાં. અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો જળમગ્ન થઈ જતાં ૧૦,૦૦૦ લોકોને બીજે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. રસ્તાઓ પર ચોમેર કુદરતના પ્રકોપથી તૂટેલીફૂટેલી ગાડીઓ, વૃક્ષો અને કમર સમાણાં પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. એક વ્યક્તિ પાણીમાં ડૂબીને અને એક વ્યક્તિ વૃક્ષ નીચે દબાઈને મૃત્યુ પામી હતી.