કાશીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર રમાઈ ચિતા-ભસ્મની હોળી

28 February, 2026 09:07 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

રંગભરી એકાદશી નિમિત્તે વારાણસીની ગલીઓમાં શિવ-પાર્વતી નગરયાત્રા પછી પાંચ દિવસના હોળી પર્વની રંગેચંગે શરૂઆત

સ્મશાનની ચિતામાંથી નીકળેલી ભસ્મથી હોળી રમાઈ

ગઈ કાલે રંગભરી એકાદશીના અવસર પર વારાણસીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે ડમરુ, ઘંટ, મૃદંગ અને ઢોલ-તાશાની ગુંજ વચ્ચે મસાન હોલી રમાઈ હતી. સામાન્ય રીતે હોળી ગુલાલથી રમાતી હોય છે, પરંતુ કાશીમાં ભોલેબાબાની સાથે સ્મશાનની ચિતામાંથી નીકળેલી ભસ્મથી હોળી રમાઈ હતી. એ પછીથી કાશીમાં પાંચ દિવસનો રંગમહોત્સવ શરૂ થઈ જાય છે. વારાણસીના મોક્ષ આપતા સ્મશાનઘાટોમાં આખું વર્ષ સતત ચિતાઓ જલતી રહે છે, પરંતુ રંગભરી એકાદશીના દિવસે અહીં માતમની વચ્ચે પણ ભસ્મોત્સવનો રંગ જોવા મળે છે. રંગભરી એકાદશીના દિવસે ભગવાન વિશ્વનાથ માતા પાર્વતીને પિયરથી લઈને કાશી આવ્યા હતા અને કાશીવાસીઓ સાથે હોળી રમ્યા હતા. જોકે તેઓ તેમના પ્રિય અઘોરીઓ, ભૂત, પ્રેત અને પિશાચની સાથે હોળી રમી શક્યા નહોતા. ત્યારથી પરંપરા પડી હતી કે તેઓ કાશીના સ્મશાનઘાટ પર આવીને તેમના ગણો સાથે ચિતાની ભસ્મથી હોળી રમે. કાશીમાં પાંચ દિવસનું હોળી પર્વ મનાવાય છે. એની શરૂઆત હરિશ્ચંદ્ર ઘાટથી થાય છે. એ પહેલાં બાબાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. 

સવારે આમલકી એકાદશીના ઉત્સવ નિમિત્તે વારાણસીની ગલીઓમાં ભગવાન શિવ અને પાર્વતીનાં વિવિધ સ્વરૂપો ધારણ કરેલા સાધુસંતો, કલાકારો અને ભક્તોનું સરઘસ નીકળ્યું હતું. આમલકી એકાદશી નિમિત્તે કાશી વિશ્વનાથ ધામ સહિત પ્રમુખ વિષ્ણુ મંદિરોમાં પણ વિશેષ પૂજા થઈ હતી. આમળાંનું વૃક્ષ ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાય છે એટલે એની પૂજા થાય છે. 

varanasi Kashi culture news india national news holi festivals