27 October, 2026 10:51 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જમ્મુ રેલવે-સ્ટેશન સામેની શિવ માર્કેટમાં લાગેલી આગ.
જમ્મુ રેલવે-સ્ટેશનની નજીક આવેલી શિવ માર્કેટમાં રવિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે તારાજી સર્જાઈ હતી. આ અકસ્માતમાં સૂકા મેવાની, ધાબળાની અને ખાણી-પીણીની ૩૫થી ૪૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. એને કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગની આ દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓનું સર્વસ્વ નાશ પામ્યું છે. માર્કેટના સાંકડા રસ્તાઓને કારણે ફાયર-બ્રિગેડની ટીમોને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને પાછળના ભાગેથી પાણીનો મારો ચલાવીને લગભગ ૮ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુના ડિવિઝનલ કમિશનર વિકાસ કુંડલ અને સ્થાનિક વિધાનસભ્ય વિક્રમ રંધાવાએ સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને નુકસાન વિશે તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા રેવન્યુ અધિકારીઓને તાત્કાલિક નુકસાનનો અંદાજ લગાવવા આદેશ અપાયો હતો. સરકાર દ્વારા સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફન્ડ (SDRF) અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ પીડિત વેપારીઓને વળતર અને નાણાકીય સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આગને કારણે આખો વિસ્તાર રાખના થરમાં ફેરવાઈ ગયો છે.