13 May, 2026 02:50 PM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent
ભૂસ્ખલન શરૂ થતાં જ લોકોએ સમયસૂચકતા વાપરીને દોટ મૂકી હતી જેને કારણે મોટી હોનારત ટળી હતી.
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભાભાનગર પાસે નૅશનલ હાઇવે પાંચ પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં એકાએક થયેલા ભૂસ્ખલનને કારણે હાઇવેનો મોટો હિસ્સો કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં વિશાળ પથ્થરો અને માટી નીચે પડતાં જોઈને પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડતા નજરે પડે છે.
પ્રાથમિક તપાસ અને સ્થાનિક અહેવાલો મુજબ ઘટનાસ્થળની બિલકુલ નજીક ખાનગી જમીન પર મોટા પાયે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ ખોદકામને કારણે પહાડનો પાયો નબળો પડ્યો હોઈ શકે છે, જે આ ભયાનક ભૂસ્ખલન માટે જવાબદાર હોઈ શકે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
અલબત્ત, સૌથી રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના થઈ હોવા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના કે ગંભીર ઈજાના સમાચાર મળ્યા નથી. ભૂસ્ખલન શરૂ થતાં જ લોકોએ સમયસૂચકતા વાપરીને દોટ મૂકી હતી જેને કારણે મોટી હોનારત ટળી હતી.