17 October, 2026 12:30 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
મેરઠમાં અન્ય આવા જ કેસમાં મૃત્યુદંડની સજા
મેરઠ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પતિ અમિત કશ્યપની હત્યા કરનારી પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને મૃત્યુદંડની સજા ફટકારી છે. પતિનું સાપ કરડતાં મૃત્યુ થયું હતું એવો રવિતાએ દાવો કર્યો હતો, પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પતિની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આમ હત્યાની ઘટનાના ૫૪૭ દિવસ પછી ચુકાદો આવ્યો છે. ૨૦૨૫માં ૧૩ એપ્રિલે અમિત કશ્યપની હત્યા કરવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષ ચાલેલી સુનાવણીમાં ૮૬ તારીખો પડી હતી અને ૧૨ જણની જુબાની સાંભળવામાં આવી હતી.
ગઈ કાલે સજા સંભળાવતાં પહેલાં કોર્ટે રવિતા અને અમરદીપની દલીલો વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સાંભળી હતી. જજ જયવીરસિંહ નાગરે તેમને પૂછ્યું હતું કે ‘તમને બન્નેને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યાં છે. તમે શું સજા ઇચ્છો છો?’
આના જવાબમાં રવિતાએ કહ્યું હતું કે ‘મારા ૩ નાનાં બાળકો છે. તેમની સંભાળ રાખવી જોઈએ.’ પછી તે ચૂપ થઈ ગઈ.
બીજી તરફ અમરદીપે કહ્યું હતું કે ‘મારાં માતા-પિતા વૃદ્ધ છે. તેમની સંભાળ રાખનાર કોઈ નથી. તેમની સંભાળ રાખવાની કોઈ કમી ન હોવી જોઈએ.’
પછી બન્ને રડી પડ્યાં હતાં. જજ જયવીરસિંહ નાગરે બ્લુ ડ્રમ હત્યાકેસનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે કતલ એકમાત્ર જઘન્ય ગુનો નથી. જજ જયવીરસિંહ નાગરે ચુકાદામાં સતી સાવિત્રીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે એક પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચૌથના ઉપવાસ કરે છે, પરંતુ અહીં આ કૃત્ય તેના પ્રેમી સાથે કરવામાં આવ્યું જે અક્ષમ્ય છે.
આ હત્યા દુર્લભમાં દુર્લભ ગણાવીને જજે કલમ તોડી નાખીને ફેંકી દીધી હતી.