મોદીને મળેલી ગિફ્ટના ઑક્શનમાં પૅરાલિમ્પિક ઍથ્લીટની વસ્તુઓ પણ‌

18 September, 2021 09:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર શૂટર મનીષ નરવાલનાં ચશ્માંની બોલી પણ ૯૬ લાખ રૂપિયા અને બ્રૉન્ઝ જીતનાર પી. વી. સિંધુના રૅકેટની કિંમત પણ ૯૦ લાખ રૂપિયાને પાર જઈ ચૂકી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ભારતીય મહિલા હૉકી ટીમની હૉકી સ્ટિક માટે એક કરોડ રૂપિયા બોલી લાગી ચૂકી છે. પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર શૂટર મનીષ નરવાલનાં ચશ્માંની બોલી પણ ૯૬ લાખ રૂપિયા અને બ્રૉન્ઝ જીતનાર પી. વી. સિંધુના રૅકેટની કિંમત પણ ૯૦ લાખ રૂપિયાને પાર જઈ ચૂકી છે. પીએમ મોદીના ૭૧મા જન્મદિવસની ઉજવણી બીજેપી આખા દેશમાં કરી રહી છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીને ગિફ્ટમાં મળેલી વસ્તુઓની ઈ-હરાજી પણ યોજવામાં આવી રહી છે. હરાજીમાં જે વસ્તુઓ મુકાઈ છે એમાં ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનુ નામ રોશન કરનાર ખેલાડીઓનાં બૅડ્મિન્ટન રૅકેટ, બૉક્સિંગ ગ્લવ્ઝ અને ભાલા જેવી વસ્તુઓનો સમાવેશ છે. ૭ ઑક્ટોબર સુધી ચાલનારી હરાજીમાં અત્યાર સુધીમાં પૅરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલિસ્ટ કૃષ્ણા નાગર અને સિલ્વર મેડલ વિજેતા સુહાસ એલવાઈનાં બૅડ્મિન્ટન રૅકેટ માટે ૧૦ કરોડ રૂપિયાની બોલી લાગી ચૂકી છે. કુલ મળીને ૧૩૦૦ ગિફ્ટની આ હરાજીમાં બોલી બોલાવાની છે. ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા લવલિના બોર્ગોહીનનાં બૉક્સિંગ ગ્લવ્ઝ ૧.૮૦ કરોડ રૂપિયાને પાર ગયાં છે, જ્યારે ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા જે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો એની અત્યાર સુધી ૧.૨૦ કરોડ રૂપિયાની બોલી લાગી ચૂકી છે. પૅરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સુમીત ઍન્ટિલના ભાલાની બોલી ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓના ઑટોગ્રાફવાળી ફ્રેમ માટે પણ અત્યાર સુધી એક કરોડ રૂપિયાની બોલી લાગી ચૂકી છે.

national news narendra modi tokyo olympics 2020