16 November, 2026 10:02 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પટનામાં ગઈ કાલે લાખો શ્રદ્ધાળુઓએ ગંગા નદીના કિનારે સૂર્યને સંધ્યા અર્ઘ્ય આપ્યું હતું.
ગઈ કાલે છઠ પૂજાના ત્રીજા દિવસે સાંજે બિહાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડમાં લાખો લોકોની જનમેદની વિવિધ ઘાટો પર એકત્ર થઈ હતી. એકલા બિહારમાં જ ૧૨,૮૦૬થી વધુ ઘાટોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. છઠ પૂજા માટે લગભગ ૫૦ લાખ લોકો દેશભરમાંથી પોતાના વતન બિહાર પહોંચ્યા હતા. ગઈ કાલે પટનાના દિઘા ઘાટ અને જે.પી. ગંગા પથ પાસે લેઝર લાઇટ શોનું આયોજન થયું હતું જેમાં છઠ પૂજાની પરંપરાઓ અને સૂર્યદેવની આરાધનાની મહત્ત્વની કહાણી દર્શાવવામાં આવી હતી.
નોએડામાં દૂષિત જળના કેમિકલયુક્ત ફીણ વચ્ચે પણ અનેક ભાવિકોએ છઠ પૂજા કરી હતી.
કલકત્તામાં વ્રત કરનારી મમ્મીઓ સંતાનોના લાંબા આયુષ્યની કામના માટે બાળકોને રસ્તા પર સૂવડાવીને તેમની ઉપરથી કૂદીને આગળ વધે છે. એનાથી બાળકોને તમામ નકારાત્મક બાધાઓથી મુક્તિ મળે છે એવી માન્યતા છે.
વારાણસીના ઘાટ પર છઠ પૂજા.
છઠ પૂજા સંતાનોના લાંબા આયુષ્ય તેમ જ પરિવારના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને કલ્યાણ માટે કરવામાં આવે છે. આ એવું લોકપર્વ છે જેની પૂજામાં પુરોહિત કે મંત્રોચ્ચારની જરૂર નથી. શુદ્ધતા, સંયમ અને આસ્થા સાથે રખાતું આ કપરું વ્રત છે. ગઈ કાલે આથમતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યું હતું. આજે સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને વ્રત ખોલવામાં આવશે.
સૂર્ય ઉપાસના અને લોકઆસ્થાનું મહાપર્વ છઠ પૂજા દેશના અર્થતંત્ર અને ખાસ કરીને નાના વેપારીઓ માટે મોટી તક બનીને ઊભર્યું છે. આ વર્ષે દેશભરમાં આશરે ૧૧ કરોડ લોકો છઠ પૂજા ઊજવશે અને આ મહાપર્વ દરમ્યાન કુલ ૬૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની શક્યતા છે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ છઠ પૂજા દરમ્યાન સૌથી વધુ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર બિહારમાં થવાની શક્યતા છે. એ ઉપરાંત દિલ્હીમાં આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા, ઝારખંડમાં ૭૦૦૦ કરોડ રૂપિયા અને બાકીનાં રાજ્યોમાં મળીને કુલ ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર હવે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પણ મોટા પાયે છઠ પૂજા ઊજવાય છે. આ તહેવારમાં પરંપરાગત વસ્તુઓનું ખાસ મહત્ત્વ હોય છે. વાંસનાં સૂપડાં અને ટોપલીઓની માંગણી વધવાથી વાંસના કારીગરો અને તેમના પરિવારોને રોજગારી મળે છે. કેળાં, નાળિયેર, શેરડી, મોસમી ફળો અને શાકભાજીની ખરીદીથી ખેડૂતો અને નાના દુકાનદારોને ફાયદો થાય છે. પ્રસાદ માટે ગોળ, ઘઉંનો લોટ, ઘી અને દૂધ ઉપરાંત માટીના દીવા, ચૂલા અને કળશ બનાવતા કુંભારોને પણ આવકની મોટી તક મળે છે. સાડીઓ, પૂજા સામગ્રી તથા ઘાટ પર મંડપ અને રોશનીની વ્યવસ્થા પાછળ પણ મોટો ખર્ચ થાય છે. પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે જ્યારે શ્રદ્ધાળુઓ સ્થાનિક કારીગરો અને ખેડૂતો પાસેથી સ્વદેશી સામાન ખરીદે છે, ત્યારે એનો સીધો લાભ સ્થાનિક અર્થતંત્રને મળે છે અને એનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `વોકલ ફૉર લોકલ` તથા `આત્મનિર્ભર ભારત` ના વિચારને પણ મજબૂતી મળે છે.