FCRAનો વિરોધ કરનાર અમેરિકન કૉંગ્રેસમૅનને ભારતે આપ્યો જવાબ, કહ્યું વિદેશી ભંડોળ…

07 August, 2026 06:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફૉરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ (FCRA)માં બદલાવ ચૅરિટિ સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટો, બિન-સરકારી સંગઠનો (NGO) અને ધાર્મિક સંસ્થાઓને લાગુ પડે છે જેને વિદેશમાંથી ભંડોળ મળી રહ્યું છે અને તે તેનો ઉપયોગ અને નિયંત્રિણ કરે છે.

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલ

ભારત સરકારે વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (Foreign Contribution Regulation Act)માં પ્રસ્તાવિત સુધારા અંગે એક અમેરિકન સાંસદે કરેલી ટીકાને ફગાવી દીધી છે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે ભારતના સ્થાનિક અધિકારક્ષેત્રમાં આવે છે.

MEA નો જવાબ

અમેરિકાની ટિપ્પણીનો જવાબ આપતા, વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે કાયદા ઘડવાનો નિર્ણય ભારતીય સંસદનો છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે અમેરિકા સહિત ઘણા દેશોમાં વિદેશી ભંડોળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કાયદા બન્યા છે. રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે FCRA સંબંધિત કાયદાકીય નિર્ણયો ભારતીય સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે અને તે ભારત માટે આંતરિક મુદ્દો છે.

અમેરિકાન સાંસદે શું કહ્યું?

આ પ્રતિભાવ અમેરિકન સાંસદ રિલે મૂરે કરેલી ટિપ્પણીઓ સામે આપવામાં આવ્યો છે. પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રિલે મૂરે પ્રસ્તાવિત FCRA સુધારા બિલ 2026 અંગે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બિલની કેટલીક જોગવાઈઓ ભારતમાં ચર્ચ અને ધાર્મિક સંગઠનોના મૅનેજમેન્ટમાં સરકારી દખલગીરીનો માર્ગ ખુલ્લો કરી શકે છે. મૂરે આ પ્રસ્તાવને ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ નિર્દેશિત પગલું ગણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે જો બિલ તેના વર્તમાન સ્વરૂપમાં પસાર થાય છે, તો તે નવી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે. તેમણે લખ્યું “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દાયકાઓ પછી સૅન્ટ થૉમસ ધ એપોસ્ટલે મલબાર કિનારે યાત્રા કરી ત્યારથી ખ્રિસ્તીઓ ભારતમાં છે. પરંતુ આટલા લાંબા ખ્રિસ્તી ઇતિહાસ છતાં, ભારતની સંસદ ચર્ચ અને ધાર્મિક ચૅરેટી સંસ્થાઓના સરકારી હસ્તાંતરણને મંજૂરી આપવા માટે વિદેશી યોગદાન નિયમન સુધારા FCRA નિયમોમાં સુધારો કરવાનું વિચારી રહી છે. આ ખ્રિસ્તીઓ પર સ્પષ્ટ હુમલો છે. જો આ બિલ આ રીતે આગળ વધે છે, તો તે ભારત સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય ચિંતાનો વિષય બનશે.”

FCRA શું છે?

ફૉરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ (FCRA)માં બદલાવ ચૅરિટિ સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટો, બિન-સરકારી સંગઠનો (NGO) અને ધાર્મિક સંસ્થાઓને લાગુ પડે છે જેને વિદેશમાંથી ભંડોળ મળી રહ્યું છે અને તે તેનો ઉપયોગ અને નિયંત્રિણ કરે છે.

પ્રસ્તાવિત સુધારાઓમાં શું જોગવાઈઓ છે?

ભારત સરકારના પ્રસ્તાવિત સુધારા હેઠળ, કેન્દ્ર સરકાર એક નિયુક્ત સત્તાધિકારીની નિમણૂક કરી શકશે. આ સત્તાધિકારી આ સંસ્થાઓમાં વિદેશી યોગદાન અને તેમાંથી બનાવેલી સંપત્તિનું સંચાલન કરશે. આ જોગવાઈ ત્યારે અમલમાં આવશે જ્યારે કોઈ સંસ્થાની FCRA નોંધણી રદ કરવામાં આવે, સંસ્થા તેની નોંધણી સોંપી દે, અથવા નોંધણીનો સમયગાળો સમાપ્ત થાય. કેન્દ્ર સરકારે પોતાનું વલણ બદલ્યું નથી. સરકારનું કહેવું છે કે આ સુધારાઓ વિદેશી યોગદાન માટે નિયમનકારી માળખાને વધુ મજબૂત બનાવશે.

foreign contribution regulation act fcra national news new delhi ministry of external affairs indian government christianity jihad united states of america